મોરબી : મોરબી જિલ્લાની સૌથી મોટી અને મોભાદાર પંચાયત એવી રવાપર ગ્રામ પંચાયતના ઉપ સરપંચ પદેથી મહિલા ઉમેદવારે અચાનક રાજીનામુ ધરી દેતા આશ્ચર્ય સર્જાયું છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના રવાપર ગ્રામ પંચાયતના ઉપ સરપંચ પદેથી મહિલા ઉમેદવાર એવા ઉર્મિલાબેન વિડજાએ આજે અચાનક રાજીનામુ ફગાવતા અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે, ઉર્મીલાબેને રાજીનામુ આપવા અંગે તેમના મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરતા તેમના પતિદેવે ઘરકામના કારણોસર ઉર્મીલાબેને રાજીનામુ આપ્યું હોવાનું સ્વીકારતા કહ્યું હતું કે, ઉર્મિલાબેન રવાપરના વોર્ડ નંબર 16માંથી ચૂંટાયેલા હતા. ઉલ્લેખનીય છે કે, મોરબીના સૌથી ઝડપી વિકસિત એવા રવાપર વિસ્તારમાં ગ્રામ પંચાયત વિસ્તારમાં ગેરકાયદેસર બહુમાળી ઇમારત બાંધવાની મંજૂરી આપવાનો વિવાદ હાલમાં હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે ત્યારે અચાનક ઉપ સરપંચના રાજીનામાને લઈ અનેક વિધ ચર્ચાઓ ઉઠી છે. જો કે આ મામલે રવાપર સરપંચનો સંપર્ક સાધવા પ્રયાસ કરતા તેમનો મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો.