થાપાના કુદરતી ગોળા જેવું જ કામ આપતા આ ઓપરેશ બાદ દર્દી બીજા જ દિવસથી હરતો ફરતો થઈ જાય છે મોરબી : થાપાના ગોળા બદલવા માટે અત્યાર સુધી ખાનગી ઓર્થોપેડિક હોસ્પિટલોમાં ભારે ખર્ચ કરવો પડતો હતો અને ઓપરેશન બાદ દર્દીએ ટોટલ બેડ રેસ્ટ ફરજિયાત રાખવો પડતો હતો. ત્યારે મોરબીની સરકારી હોસ્પિટલમાં ડોકટર મહેન્દ્ર ફેફરના માર્ગદર્શન હેઠળ નવા પ્રકારના અત્યાધુનિક ગોળાનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે. મોરબીના રામકૃષ્ણ નગર, હાઉસિંગ બોર્ડમાં રહેતા ભરતભાઇ જગદીશભાઈ નિમાવત નામના 46 વર્ષના પ્રૌઢ સાયકલ પરથી પડી જતા એમના જમણા પગના થાપાના ગોળામાં ફ્રેક્ચર થઈ ગયું હતું. આથી તેઓ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યાં ઓર્થોપેડિક ડોકટર મહેન્દ્ર ફેફર દ્વારા એમનું થાપાનો ગોળો બદલવાનું ઓપરેશન કરાયું હતું. મોડુલર બાયપોલર નામની મોર્ડન ટેકનોલોજી વાળો કૃત્રિમ ગોળો ફિટ કરવાનું ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યું હતું જે ગોળાની ખાસિયત એ છે કે આનાથી દર્દીને કુદરતી ગોળા જેવો જ અનુભવ થાય છે. અન્ય કૃત્રિમ ગોળામાં ઉદભવતી તકલીફ આ પદ્ધતિમાં થતી નથી. વળી દર્દી ઓપરેશનના બીજા દિવસથી ચાલવાનું શરૂ કરી શકે છે. આ નવી ટેક્નિકનું સફળ ઓપરેશન મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પ્રથમ વખત કરવામાં આવતા હવે આવનારા દિવસોમાં થાપાના ગોળા બદલવા માટે દર્દીઓને અન્ય હોસ્પિટલો સુધી લાંબા થવાની જરૂરિયાત નહિ રહે એવું જાણવા મળી રહ્યું છે.