6 મહિનાથી પીડિતા 60 વર્ષીય દર્દીના પેટમાંથી 5x5 સેન્ટીમીટરની ગાંઠ બહાર કઢાઈમોરબી : મોરબીની GMERS જનરલ હોસ્પિટલે 60 વર્ષના એક પુરુષ દર્દીને કોલોન કેન્સર જેવી ગંભીર બીમારીમાંથી મુક્તિ અપાવી નવજીવન બક્ષ્યું છે. છેલ્લા છ મહિનાથી પેટમાં દુખાવો, જમ્યા પછી પેટ ફૂલી જવું, પેટ સાફ ન આવવું અને વજન ઘટવા જેવી તકલીફોથી પીડાતા આ દર્દીને હોસ્પિટલના સર્જરી વિભાગે સફળતાપૂર્વક સારવાર આપી છે.દર્દીએ 4 જુલાઈ, 2025 ના રોજ GMERS જનરલ હોસ્પિટલના સર્જરી વિભાગમાં ડૉ. ચિરાગ પનારાનો સંપર્ક કર્યો હતો. ડૉ. પનારાએ દર્દીની તપાસ કરી અને જરૂરી રિપોર્ટ્સ કરાવ્યા, જેમાં દર્દીને પોલીપોઇડલ માસ અને રેક્ટોસિગ્મોઇડમાં અલ્સર (કોલોન કેન્સર) જેવી ગંભીર બીમારી હોવાનું સામે આવ્યું હતું.ડૉક્ટરની સલાહ મુજબ, દર્દીને કોલોન કેન્સરના ઓપરેશન માટે GMERS જનરલ હોસ્પિટલ મોરબીમાં દાખલ કરવામાં આવ્યા. 6 ઓગસ્ટ, 2025 ના રોજ, GMERS જનરલ હોસ્પિટલના સર્જન ડૉ. ચિરાગ પનારા, ડૉ. નિશિથ પટેલ, ડૉ. વિમલ દેત્રોજા અને એનેસ્થેસિયા ડૉ. રાજેન્દ્ર લોરિયાની ટીમે આ જટિલ ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડ્યું. ઓપરેશન દરમિયાન, દર્દીના પેટમાંથી લગભગ 5x5 સેન્ટીમીટરની ગાંઠ કાઢવામાં આવી.ઓપરેશન પછી દર્દીની તબિયત સુધરતા તેમને GMERS જનરલ હોસ્પિટલ મોરબીમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યું. દર્દીએ આ જટિલ ઓપરેશનને સફળ બનાવવા બદલ ડૉ. ચિરાગ પનારા, ડૉ. નિશિથ પટેલ, ડૉ. વિમલ દેત્રોજા, એનેસ્થેસિયા ડૉ. રાજેન્દ્ર લોરિયા અને સમગ્ર હોસ્પિટલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.