'માનવ અધિકાર અને સામાજિક ન્યાય અયોગ' નામની સ્વૈચ્છિક સંસ્થા દ્વારા નાગરિકોની પાયાની સુવિધાનો હક્ક આપવા માંગણી કરાઈ મોરબી : લોકતાંત્રિક દેશ ભારતના સંવિધાનમાં નાગરિકોના મૂળભૂત અધિકાર હેઠળ પાયાની સુવિધા મેળવવાનો હક્ક આપવામાં આવ્યો છે. આ હક્ક હેઠળ દેશનો તમામ નાગરિક મૂળભૂત સુવિધા મેળવવા માટે એક સમાન રીતે હક્કદાર છે અને શાસકોની ફરજ છે કે એ હક્ક તમામ નાગરિકોને કોઈ જાતના ભેદભાવ વગર પૂરો પાડે. જો કે ભારતના મોટાભાગના રાજ્યો સહિત ગુજરાત અને મોરબી સહિતના શહેરોમાં નાગરિકોને પોતાના હક્ક માટે રીતસર ઝઝૂમવું પડે એવી સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે મોરબીમાં કાર્યરત એક સ્વૈચ્છિક સંગઠન દ્વારા આ બાબતે જિલ્લા કલેકટરને રજુઆત કરી આવેદન પાઠવ્યું હતું. 'માનવ અધિકાર અને સામાજિક ન્યાય આયોગ' મોરબી નામના સ્વૈચ્છિક સંગઠન દ્વારા મોરબી જિલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યાનુસાર લોકોના પાયાના અધિકારો જેવા કે રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ભૂગર્ભના પ્રશ્નોનુ સત્વરે નિરાકરણ થાય. આ બધી સુવિધાઓ લોકો માટે પાયાના અધિકારો છે ; જે પાછલા ઘણા સમયથી છીનવાઈ રહ્યા છે. એ બધા અધિકારો મોરબીની જનતાને આપવામાં આવે. 'માનવ અધિકાર અને સામાજિક ન્યાય આયોગ'ના જિલ્લા સચિવ રાજેશભાઈ વિડજા, નરુભાઈ જોશી, કેયુરભાઇ પંડ્યા, ઈશ્વરભાઈ વિડજા, હિરેનભાઈ વિડજા, કાર્તિકભાઈ કાલરીયા, કલ્પેશભાઈ પટેલ સહિતના આ સંગઠનના સભ્યો દ્વારા આવેદન આપીને જલ્દીથી લોકોને પાયાના અધિકારો આપવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી હતી.