18 ટકા વ્યાજ સાથે 20,000 થી 25,000 રૂપિયાની વેરાની નોટિસો મળતા ગરીબ પરિવારોની મુશ્કેલી વધી: વેરા ભરપાઈની મુદત લંબાવવા માંગમોરબી: મોરબી શહેરના વોર્ડ નંબર 2 માં આવતા અનુસૂચિત જાતિ વિસ્તારના રહીશો દ્વારા મોરબી મહાનગરપાલિકાના મેયરને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં મહાનગરપાલિકા તરફથી આપવામાં આવેલ વેરાનું વ્યાજ માફ કરવા તેમજ વેરા ભરપાઈ કરવાની મુદત વધારી આપવા અને હપ્તા કરી આપવા માંગ કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવ્યા મુજબ, મોરબી મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 2 ના આંબેડકર કોલોની, રોહીદાસપરા, ગુજરાત સોસાયટી, વિજયનગર, ભીમરાવ નગર, શાંતિવન સોસાયટી અને લાયન્સનગરના રહીશોને મકાન વેરા, પાણી વેરા, લાઈટ વેરા અને સફાઈ વેરા સહિતના વિવિધ વેરા ભરવા માટે નોટિસો ફટકારવામાં આવી છે. આ નોટિસમાં 31/03/2026 સુધીમાં વેરો ન ભરાય તો 18 ટકા વ્યાજ સાથે વસૂલાત કરવાની ચીમકી આપવામાં આવી છે.સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, અગાઉ જ્યારે મોરબી નગરપાલિકા હતી ત્યારે આ વિસ્તારોમાં ક્યારેય પૂરતી સફાઈ થતી ન હતી, સમયસર પાણી મળતું ન હતું, સ્ટ્રીટ લાઈટ અને ડ્રેનેજની સુવિધા પણ નામ પૂરતી જ હતી. આમ, વર્ષો સુધી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહ્યા બાદ હવે અચાનક 20,000 થી 25,000 રૂપિયા સુધીના વેરાની નોટિસો ફટકારી દેવામાં આવતા મજૂરી કરીને ગુજરાન ચલાવતા ગરીબ પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.અગાઉ 27/03/2026 ના રોજ કમિશનર અને ત્યારબાદ કલેક્ટર તથા વહીવટદારને પણ આ અંગે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવ્યું છે, કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. હાલમાં છેલ્લા 2 વર્ષથી ભારે મંદીનો માહોલ છે અને કારખાનાઓ બંધ હોવાથી લોકો માટે જીવન નિર્વાહ ચલાવવો પણ મુશ્કેલ છે, ત્યારે આટલો મોટો વેરો સમયમર્યાદામાં એકસાથે ભરવો અશક્ય છે.વોર્ડ નંબર 2 ના અનુસૂચિત જાતિ સમાજના લોકોએ એકત્ર થઈને માંગ કરી છે કે વેરા પર ચડેલું 18 ટકા વ્યાજ સંપૂર્ણપણે માફ કરવામાં આવે અને વેરો ભરવાની મુદત વધારીને ઇન્સ્ટોલમેન્ટ (હપ્તા) કરી આપવામાં આવે. આ રજૂઆતની નકલ મુખ્યમંત્રી, કલેક્ટર અને કમિશનરને પણ મોકલવામાં આવી છે.#Morbi #MorbiNews #MorbiUpdate #MorbiMahanagarpalika #Ward2 #TaxIssue #PublicDemand #GujaratNews