મોબાઈલ આપવા તથા યોગ્ય પગાર આપવા સહિતની માગણીઓ કરાઈટંકારા : ટંકારાના સાવડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કસ યુનિયન દ્વારા રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલને લેખિત આવેદનપત્ર આપીને આરોગ્ય વિભાગમાં સેવા બજાવતી આશા વર્કર તથા ફેસિલિએટરને ડિજિટલ કામગીરી કરવા માટે તાત્કાલિક સક્ષમ મોબાઈલ આપવામાં આવે તેમજ જ્યાં સુધી સરકાર મોબાઈલ ન આપે ત્યાં સુધી ઓનલાઈન કામગીરી પોતાના મોબાઈલથી ફરજ પાડવાનું રોકવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવાયું છે કે, જિલ્લા, તાલુકા કક્ષાએ ધમકીઓ આપીને પોતાના મોબાઈલથી ઓનલાઈન કામગીરી કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. તેને તાકિદે રોકવામાં આવે અને ઓનલાઈન કામગીરી માટે સરકાર દ્વારા મોબાઈલ આપવામાં આવે. સરકાર દ્વારા મોબાઈલ આપ્યા વિના જ હોમ બેઝ્ડ ન્યૂ બોર્ન કેર એન્ડ હોમ બેઝ્ડ યંગ ચાઈલ્ડ કેર આશા મોડ્યુલ- TAKO સોફ્ટવેરમાં ઓનલાઈન કામગીરીમાં વધારો કરવામાં આવ્યો છે અને ફરજિયાત તાલીમો ગોઠવી છે. બહેનો પાસે સક્ષમ મોબાઈલ નથી અને હાલમાં કામગીરી સોંપવામાં આવી રહી છે તો પોતાના મોબાઈલથી શક્ય જ નથી. આશા વર્કરો તથા ફેસિલેએટરોના બિલોની કામગીરી પણ ડોક્યુમેન્ટ અપલોડ કરીને આશા વર્કરે જ પોતાના મોબાલઈમાં બનાવવાની છે તેવી સૂચના અપાઈ છે. જો આ કામગીરી નહીં કરવામાં આવે તો ઈન્સેન્ટિવની રકમો પણ ચુકવવામાં આવશે નહીં તેવી ધમકી આપવામાં આવી રહી છે. આવી સૂચના તાત્કાલિક અસરથી પરત ખેંચવામાં આવે. સાથે જ લાંબા સમયથી પગારમાં વધારો કર્યો નથી, લઘુતમ વેતન પણ આપવામાં આવતું નથી. 20 વર્ષની યોજના છતાં કાયમી કરાતા નથી. તેથી આ તમામ બાબતોને ધ્યાને લઈને ઘટતી કાર્યવાહી કરવામાં આવે. જો સરકાર આમ નહીં કરે તો આંદોલન કરવાની ફરજ પડશે તેમ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.