મોરબી : મોરબી નગરપાલિકામાં જે-તે વખતે ફરજ બજાવતા અરજદારોએ મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરીને ઔદ્યોગિક વિવાદ ધારાની કલમ 25 (એચ) મુજબ નવી ભરતી સમયે કામે રાખવા માગ કરી છે.અનિલભાઈ આર. રાચ્છ, નૈમિષભાઈ કોઠારી અને મહાવીરસિંહ જાડેજાએ મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને જણાવ્યું છે કે, તેઓ મોરબી નગરપાલિકામાં 1996થી ફરજ બજાવતા હતા અને 1998માં પાલિકા દ્વારા તેઓને ગેરકાયદેસર રીતે છુટા કરી દેતા તેઓએ પ્રથમ ઔદ્યોગિક વિવાદધારાની કલમ 33 (એ) હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. પરંતુ ફરિયાદ 2012માં નીકળી જતા તેમણે લેબરકોર્ટ સમક્ષ કેસ દાખલ કર્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતાં લેબર કોર્ટે તેઓની તરફેણમાં ચુકાદો આપી નગરપાલિકા દ્વારા છુટા કરવાનું પગલું ગેરકાયદેસરનું ગણાવી ફરી નોકરીમાં પુનઃસ્થાપિત કરવાનો હુકમ કર્યો હતો. જેની સામે પાલિકાએ હાલ હાઈકોર્ટ સમક્ષ એસસીએ દાખલ કરી છે જેમાં કોઈ મનાઈ હુકમ આપેલ નથી.હાલ મોરબી મહાનગરપાલિકામાં 1300 કર્મચારીઓની જગ્યા ભરવાની છે તેવી માહિતી મળી છે. ત્યારે ઔદ્યોગિક વિવાદ ધારાની કલમ 25 (એચ) મુજબ સંસ્થા દ્વારા નવા કર્મચારીને કામે રાખવામાં આવતા હોય ત્યારે તે સંસ્થાના છુટા કરાયેલ જુના કર્મચારીઓને નોકરીમાં ફરી રાખવા પ્રાથમિકતા આપવી જોઈએ તેવું કલમમાં પ્રસ્થાપિત કરેલ છે. તો અમોને ફરીથી નોકરી પર રાખવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.