મોરબી : મોરબી મહાનગરપાલિકા વિસ્તારના વાડી વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા બાકી વેરા બાબતે પાઠવવામાં આવેલી નોટિસ બાબતે અને પ્રાથમિક સુવિધાઓ ન મળી રહી હોય તે અંગે આજ રોજ વાડી વિસ્તારના લોકોએ મોરબી મહાનગરપાલિકાને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવાયું હતું કે, જો પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવશે તો રહીશો દ્વારા બાકી વેરાની ભરપાઈ કરી દેવામાં આવશે.આ અંગે વકીલ દયારામભાઈ ડાભીએ જણાવ્યું હતું કે, મોરબીના વાડી વિસ્તારમાં સતવારા સમાજના કાયમી પ્રશ્નો છે તેના નિરાકરણ માટે મોરબી મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જેમાં મુખ્ય મુદ્દાની વાત કરીએ તો પ્રાથમિક સુવિધાઓ મળી ન હોવા છતાં વેરાની વસુલાત માટે નોટિસો આપવામાં આવી છે, આ નોટિસના જવાબો પણ અમે આપેલા છે. જે બાદ વોરંટ પણ ઈશ્યુ કરવામાં આવ્યા છે. વાડી વિસ્તારમાં હજુ સુધી પ્રાથમિક સુવિધાઓ મળી નથી એ બાબતે પણ કમિશનરને રજૂઆત કરાઈ છે. કાચા રોડ રસ્તાને પાકા બનાવવા પણ રજૂઆત કરાઈ છે. ગટરની સુવિધા પણ નથી મળી રહી. સ્ટ્રીટ લાઈટના પ્રશ્નો અને સાફ સફાઈના પ્રશ્નો બાબતે રજૂઆત કરાઈ છે.આ અંગે કમિશનર દ્વારા રહીશોને કહેવામાં આવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે વ્યાજમાફીની યોજના બહાર પાડવામાં આવતી હોય છે. ત્યારે આ યોજના ફરી બહાર પાડવામાં આવે તેવા પ્રયત્નો કરવામાં આવશે. વેરા માફી માટે પણ કમિશનર દ્વારા પ્રયાસો કરવામાં આવશે તેવી બાહેંધરી આપવામાં આવી છે. સાથે જ રહીશોએ પણ પ્રાથમિક સુવિધાઓ મળતાં વેરો ભરવા તૈયારી બતાવી હતી.