મોરબી: મોરબી મહાપાલિકાના વોર્ડ નં. 12 હેઠળ આવતા લીલાપર-કેનાલ મેઈન રોડ પર સ્ટ્રીટ લાઈટ ન હોવાથી સ્થાનિક રહેવાસીઓ અને મુસાફરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેજાણીની વાડી, બોરિયા પાટી, લીલાપર-કેનાલ રોડના રહેવાસી ગિરધરભાઈ ભગવાનજીભાઈ પરમાર દ્વારા આ અંગે મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવ્યા મુજબ, બજરંગ સર્કલ સુધી સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવી છે, પરંતુ બજરંગ સર્કલથી લીલાપર ચોકડી સુધીના મુખ્ય રોડ પર એક પણ લાઈટ નથી. આ રોડ સિરામિક ઉદ્યોગને કારણે ભારે વાહન વ્યવહાર ધરાવે છે. રાત્રિના સમયે પૂરતી રોશની ન હોવાથી પશુ કે પ્રાણી વચ્ચે આવતા અકસ્માતનો ભય રહે છે.આ ઉપરાંત સ્ટ્રીટ લાઈટના અભાવે અવારનવાર અકસ્માતો થાય છે અને રાત્રિ દરમિયાન મુસાફરીમાં વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડે છે. તેમણે કમિશનરને અપીલ કરી છે કે આ અરજી પર તાત્કાલિક કાર્યવાહી કરીને સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવે, જેથી લોકોને જીવન જરૂરિયાતની આ સુવિધાનો લાભ મળી શકે અને તેમની મુશ્કેલીઓનો અંત આવે.