મોરબી : મોરબી શહેરના રોહીદાસપરા વિસ્તારમાં ગુજરાત સોસાયટીમાં રખડતા આખલાઓને પકડીને લોકોને આ સમસ્યામાંથી છુટકારો અપાવવા સ્થાનિક રહીશ જયેશભાઈ મોતીભાઈ કાટિયાએ મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે, રેલવે સ્ટેશન પાછળ આવેલી ગુજરાત સોસાયટીમાં અવારનવાર આખલા યુદ્ધે ચડતા હોય છે. જેના કારણે ત્યાંથી પસાર થતા લોકોને ભય સતાવે છે. વાહનોને પણ નુકસાન પહોંચતું હોય છે. આજે જ આખલા વચ્ચે યુદ્ધ થતા બે જેટલા વાહનોને નુકસાન થયું હતું. આ અંગે અનેક વખત મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. ફોન દ્વારા રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય જવાબ આપવામાં આવતો નથી. ત્યારે આ રખડતા ઢોરને પકડીને લોકોને આ સમસ્યામાંથી છુટકારો અપાવવા કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.