7 દિવસમાં ગટરના પાણીનો નિકાલ નહીં થાય તો રોડ બંધ કરવાની ચીમકી ઉચ્ચારાઈમોરબી : મોરબીના રોહીદાસપરામાં વસવાટ કરતાં અનુસુચિત જાતિ સમાજ દ્વારા રોડ-રસ્તા, ગટર અને ગંદકીની સમસ્યાને લઈને મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરી છે અને તમામ સમસ્યાનું સમાધાન કરવા માગ કરી છે.રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે, રોહીદાસપરા વિસ્તારના પ્રવેશદ્વાર સમાન મુખ્ય રોડ-રસ્તા સંપૂર્ણ ડેમેજ અને તૂટી ગયા છે. જેના કારણે વાહનચાલકોને અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વીસી ફાટકથી રોહીદાસપરા મેઈન રોડ, જાહેર રોડ તાત્કાલિક યોગ્ય કરવામાં આવે તેવી માગ કરાઈ છે. મેઈન રોડ પર ગટરનું પાણી ઉભરાય રહ્યું છે અને આ પાણી રોડ પર ભરાયેલું રહે છે. જેના કારણે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યૂની બાજુમાં જ ગટરનું પાણી ભરાયેલું રહે છે. તેથી ગટરના પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે. રોહીદાસપરા મેઈન રોડ પર ઢોર માટે ઘાસચારો નાખવામાં આવે છે તે પણ બંધ કરવા માગ કરાઈ છે. ગુજરાત ગેસ કંપની દ્વારા રોહીદાસપરાની બાજુની સોસાયટીમાં ગેસની લાઈન નાખી છે જેના કારણે સોસાયટીની ગટર લાઈન તોડી નાખવામાં આવી છે અને ગટરની લાઈન રિપેર કરી નથી. જેથી આ મામલે મહાનગરપાલિકા કાયદેસરની કાર્યવાહી કરે. જો 7 દિવસમાં ગટરના પાણીનો નિકાલ નહીં થાય તો રોહીદાસપરા મેઈન રોડ બંધ કરવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે. આ ઉપરાંત રોહીદાસપરા મેઈન રોડ પર દબાણ દુર કરવા પણ અરજ કરવામાં આવી છે.