મોરબીઃ મોરબી-2 મહેન્દ્રનગર સર્વે નં. 191, ભગવતી ચેમ્બરની પાછળના ભાગે રિલાયન્સ જીઓ દ્વારા ગેરકાયદેસર સરકારની પરવાનગી વગર રોડ ખોદીને ગેરકાયદેસર લાઈનો નાંખવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે તેને અટકાવવા માટે રણજીતભાઈ હુંબલે કલેક્ટરને રજૂઆત કરી છે. અરજદાર રણજીતભાઈ હુંબલે કલેક્ટરને પત્ર લખીને લેખિત રજૂઆત કરી છે કે, રાહદારી રસ્તાને તોડીને, લોકોની અવર જવરને રોકવામાં આવી રહ્યું છે અને રિલાયન્સ જીઓ દ્વારા વાહનોની અવર જવર થતાં રસ્તા પર ગેરકાયદેસર ખોદકામ કરીને લાઈનો નાખવામાં આવી રહી છે. આ લાઈનો પંચાયત, નગરપાલિકા તેમજ વિવિધ સંસ્થાઓની પરવાનગી મેળવ્યા વગર જ નાખવામાં આવી રહી છે. તેમજ સ્થાનિક ગોડાઉનના માલીકોની જાણકારી તથા સહમતી લીધા વિના જ છેલ્લા 6 દિવસથી આડેધડ રસ્તો તોડી નુકસાન કરવામાં આવી રહ્યું છે. આ અંગે ગોડાઉનના માલીકે કંપનીના જવાબદાર અધિકારી-કર્મચારીને ટેલિફોનિક વાતચીત કરતાં તાત્કાલિક જ કામ બંધ કરીને ગેરકાયદે નાંખેલી લાઈનો કઢાવી નાખવામાં આવી હતી. જેથી રાહદારી રસ્તો તોડીને લોકો તથા વાહનોની અવર જવરને અવરોધ ઉભો કર્યો છે. આ અંગે થયેલા નુકસાન બદલ કંપનીના જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.