ટંકારા : ટંકારાના સાવડી ગ્રામ પંચાયતના સદસ્ય જગદીશ દુબરીયાએ જયનગર ગામમાં કન્ટેન્મેન્ટ ઝોનની ગાયોને બચાવવા બાબતે કલેક્ટર જે. બી. પટેલને લેખિત રજૂઆત કરેલ છે. આ લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે ટંકારાના જયનગર ગામે કન્ટેનમેન્ટ ઝોનમાં રાખેલા 57 લોકોની દયનીય હાલત છે. કોરોના પોઝીટીવ આવેલા ભાવેશ ધરમશી ભાગીયાની તબિયત બિલકુલ સારી હોવાનાં સમાચાર છે. સ્થાનિકોના દરરોજ લેવાયેલ ટેમ્પરેચર રિપોર્ટ પણ સામાન્ય આવેલ છે. તેમજ તેનાં પરિવારનાં 5 સભ્યોનો રિપોર્ટ પણ નેગેટિવ આવેલા છે તેમ છતાં 11 જેટલા પરિવારોને બિનજરૂરી ગોંધી રાખેલ છે. 42 જેટલી ગાયો તથા માલધારી પરિવારોનાં ઘેટાં-બકરાઓને ચરાવવાં જવાની મનાઈ હોઈ, તેથી અબોલ જીવો ભૂખે મરી રહયાં છે. તેઓએ લેખિત રજુઆતમાં વધુ જણાવ્યું છે કે ગત તા. 5ની રાત્રે આવેલ વાવાઝોડા સાથેનાં વરસાદમાં ગાયો માટેનો ઘાસચારો નાશ પામેલ છે. ગાયો તેમજ ખેતરમાં રાખેલ ઘાસચારાની જાળવણી માટે થોડી વાર છૂટ્ટા કરવા અથવા યોગ્ય વ્યવસ્થા કરી આપવા પોલિસ તંત્ર તેમજ વહીવટી તંત્ર પાસે વારંવાર રજૂઆતો કરેલ હોવા છતા કોઈ અધિકારીએ સહકાર આપેલ નથી. વધુ રજુઆત કરવાથી જેલમાં પૂરી દેવાની ધમકીઓ આપવામાં આવતી. પશુપાલન ખાતાના અધિકારીઓ દ્વારા કરાયેલ મુલાકાતો વખતે પણ ગાય-ભેંસ માલ ઢોર બચાવવા વિનંતી કરેલ હતી. ગાયને માતા સમાન ગણતા ગુજરાતમાં ગોંધી રખાયેલ 42 જેટલી ગાયોને બચાવવા આજ સુધી કોઈ પ્રયત્નો કરાયા નથી. આથી, ગાયોને બચાવવાં તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવા અપીલ કરવામાં આવી છે.