રસ્તાનું સમારકામ કરી અકસ્માતો ઘટાડી અને વાહનવ્યવહાર વધુ સરળ બનવવાની માંગ મોરબી: મોરબીના નવલખી ફાટક અને પીપળિયા ચાર રસ્તા સુધીના માર્ગની બિસ્માર હાલત અંગે સ્થાનિક નાગરિકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરીને તાત્કાલિક સમારકામની માંગ કરી છે. મેહુલ એમ. ગાંભવાએ પત્રમાં રસ્તાની ખરાબ હાલતથી થતી મુશ્કેલીઓ અને અકસ્માતો અંગે માહિતી આપી છે.રજૂઆતમાં જણાવાયુ છે કે આ રસ્તો નવલખી પોર્ટને જોડતો હોવાથી અહીં ભારે વાહનોની અવરજવર સતત રહે છે. તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે રસ્તા પર મોટા ખાડા પડી ગયા છે, જેનાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ રસ્તાની ખરાબ સ્થિતિને કારણે નાના-મોટા અકસ્માતોનું પ્રમાણ વધી ગયું છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ, સ્થાનિક વેપારીઓ અને સામાન્ય નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.તેથી મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે કે આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં લઈ વહેલી તકે રસ્તાનું સમારકામ અને નવીનીકરણ કરવા માટે સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવે. જો આ રસ્તાનું સમારકામ ઝડપથી કરવામાં આવે તો અકસ્માતો ઘટાડી શકાય છે અને વાહનવ્યવહાર વધુ સરળ બની શકે છે. આનાથી સ્થાનિક લોકો તેમજ ઉદ્યોગ બંનેને લાભ થશે.