એક પેઢી તો પાણીની રાહ જોવામાં જ પૂરી થઇ ગઈ : ખેડૂતોમાં આક્રોશ મોરબી : મોરબી જીલ્લામાં મચ્છુ- ૩ની કેનાલનું પાણી નક્કી કરેલ ગામડાઓમાં કેનાલની સુવિધા વ્હેલીતકે પૂરી પાડવા તેમજ પંપ દ્વારા પાણી ઉપાડવા માટેની પુરતી વ્યવસ્થા કરવા બાબતે નેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. મોરબી જીલ્લામાં મચ્છુ- ૩ સિંચાઈ યોજનાનો ડેમ બનાવવા માટેનું ખાતમુહૂર્ત જે તે વખતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ હતું,.જેને આજે ૩૦ વર્ષ કરતા પણ વધારે સમય થઇ જવા પામેલ છે. આ યોજનાની કેનાલનું ખાતમુહૂર્ત ૨૦૧૬ ની સાલમાં કરવામાં આવેલ હતું જેને પણ સાત વર્ષ જેવો સમય થઇ જવા પામેલ છે.આમ છતાં આજ દિવસ સુધી આ વિસ્તારના ખેડૂતોને એક ટીપું પાણી પણ મળેલ નથી.આ યોજનાની કેનાલના કામમાં પણ ભ્રષ્ટાચાર થયાની ફરિયાદો પણ થયેલ છે.આ વિસ્તારના ખેડૂતોના કહેવા મુજબ કે એક પેઢી તો પાણીની રાહ જોવામાં જ પૂરી થઇ ગઈ હવે પાણી ક્યારે આવશે અને આવશે ત્યારે પણ અમારા ખેતરે કેવી રીતે પહોચાડી શકીશું. કારણ કે આ પાણી ઉપાડવા માટેના જે કુવાઓ કેનાલમાં મુકવામાં આવેલ છે તે જરૂર કરતા ઓછા છે તેમજ ખેડૂતોએ પોતાના ખેતર સુધી પાણી લઇ જવા માટે વચ્ચે આવતા ક્યાં ખેતરમાંથી લઇ જવું.તેની પણ કોઈ વ્યવસ્થા કે જોગવાઈઓ કરવામાં આવેલ નથી અને કેનાલો પણ તુટવા લાગી છે.જો સરકાર દ્વારા આ બાબતે સમયસર કાર્યવાહી નહિ કરવામાં આવે તો આ વિસ્તારના ખેડૂતને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલાત્મક કાર્યક્રમો આપવાની ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી.બાવરવાએ ચીમકી આપી છે.