મોરબી: મોરબીના ચરાડવા થી સુરવદર સુધીના ૧૭ કિલોમીટરના રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની અરજદાર પ્રવીણભાઈ જોટાણીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે. સાથે જ આ રોડનું કામ પણ અધૂરું જ છોડી દેવાયું હોવાનું લેખિત રજૂઆતમાં જણાવાયું છે. અરજદાર પ્રવીણભાઈ જોટાણીયાએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ચરાડવા થી સુરવદર સુધીના 17 કિલોમીટરના રોડનું કામ 2018માં મંજૂર થયું હતું. જેનું કામ 2020 સુધીમાં પૂર્ણ કરવાનું હતું. પરંતુ હાલ સુધી પણ કોઈ કામગીરી થઈ નથી. ફક્ત નાલા પુલિયા બનાવીને કામ અધૂરું છોડી દેવામાં આવ્યું છે. જેના કારણે જુના દેવડીયા, નવા દેવડીયા સુરવદર, પ્રતાપગઢ ગામના મુસાફરોને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. અરજદારે આરોપ લગાવ્યો છે કે, અવારનવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવ્યો નથી. મનફાવે તે રીતે જવાબો આપીને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. સાથે જ આ રોડના કામમાં સરકારના નિયમોનો ભંગ કરીને ખૂબ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરી રોડના કામમાં મોટાપાયે ગોટાળો કર્યો હોવાનું લાગી રહ્યું છે. આથી રોડના કામના ટેન્ડરની રકમ તપાસી સ્થળ તપાસ કરવામાં આવે. ટેન્ડરના બિલ તપાસવામાં આવે અને તટસ્થ તપાસ કરીને તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરી છે.