મોરબીઃ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના મોરબીના જનરલ સેક્રેટરીએ નર્મદા યોજનાના પાણી દરિયામાં જવા દેવાને બદલે પાણીનો યોગ્ય ઉપયોગ કરીને સૌની યોજના મારફતે સૌરાષ્ટ્ર વિસ્તારના ખાલી ડેમો ભરવા મુખ્યમંત્રીને રજુઆત કરી છે. ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ બાવરવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ લેખિત રજૂઆત કરી છે કે, હાલમાં ગુજરાતમાં તેમજ મધ્યપ્રદેશમાં અતિ વરસાદના કારણે નર્મદા ડેમમાં પાણીની ખુબજ સારી આવક થઈ રહી છે. હાલ ડેમનું લેવલ ૧૨૯.૦૧ મીટર થઇ ગયું છે અને હજુ પાણીની આવક ૨,૯૭,૦૦૦ કયુસેક જેવી છે. જેની સામે સી.એચ.એમ.એસ. મારફતે કેનાલમાં ૫૦૦૦ કયુસેક તેમજ આર.બી.પી.એચ. એટલે કે રીવર બેડ પાવર હાઉસ માટે ૪૪૦૦૦ કયુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જે સીધું દરિયામાં જાય છે. ગુજરાતના ખેડૂતો દ્વારા ઉનાળુ પાક માટે આગોતરું વાવેતર કરવા માટે પાણીની માંગણી કરી હતી પરંતુ સરકાર દ્વારા જયારે જરૂરિયાત હતી ત્યારે પાણી આપવામાં આવ્યું નહતું અને છેક છેલ્લા દિવસોમાં કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું અને ખેડૂતોએ વાવેતર ચાલુ કર્યું ત્યાં જ વરસાદ ચાલુ થતાં ખેડૂતો પાણીનો જે લાભ મળવો જોઈએ તે લાભ મળ્યો ન હતો. ત્યારે હવે સરકારે બનાવેલ સૌની યોજ્ના દ્વારા હાલમાં સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં ખાલી ડેમો ભરી આપવામાં આવે. જે પાણી દરિયામાં જાય છે તેને બદલે ખાલી ડેમો ભરવામાં આવશે તો આ વિસ્તારના લોકોને પીવાનું પાણી તેમજ સિંચાઈ માટેના પાણીના પ્રશ્નનો હલ થશે. તો આ બાબતે હકારાત્મક રીતે વિચારીને સૌની યોજના દ્વારા ડેમો ભરવા યોગ્ય કરવા વિનંતી કરાઈ છે.