મોરબી : તાજેતરમાં મોરબી જિલ્લાની આંગણવાડીની જગ્યાઓ માટે કાર્યકર અને તેડાગરની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેના માટે અરજદારે મામલતદાર ઓફિસમાંથી રહેઠાણનો દાખલો લેવાનો હોય છે અને અરજી સાથે સામેલ કરવાનો હોય છે. ત્યારે આ મામલે રોહિદાસ પરામાં રહેતા પ્રવીણભાઈ શુક્લએ મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે, રહેઠાણના પુરાવા માટે એફિડેવિટ રદ કરીને સ્વ ઘોષણા પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવે.રહેઠાણનો દાખલો મેળવવા માટે સંદર્ભ દર્શિત સા.વ.વિના ઠરાવથી સ્વ ઘોષણા પ્રક્રિયા અમલમાં મૂકાઈ છે. છતાં અરજદાર જ્યારે રહેઠાણનો પુરાવો મેળવવા અરજી કરે છે ત્યાં સ્વ ઘોષણાને બદલે 50/500 રૂપિયાના સ્ટેમ્પ પર સોગંધનામું માંગવામાં આવે છે. આમ સરકારનો ઠરાવ હોવા છતાં સોગંદનામાનો ખોટો બોજ અરજદાર પર નાખવામાં આવે છે. આવા સોગંદનામાના નોટરી 500 થી 1000 રૂપિયા ચાર્જ વસુલ કરે છે. તેથી તાત્કાલિક આ બાબતે ઘટતું કરી સ્વ ઘોષણા માન્ય રાખવામાં આવે તેવી કલેક્ટરને રજૂઆત કરાઈ છે.