હળવદમાં કોરોના કેસ ચિંતાજનક વધી રહ્યા હોવાથી તાલુકા ભાજપ મંત્રીની રજૂઆત હળવદ: હળવદમાં છેલ્લા પંદરેક દિવસથી કોરોના પોઝિટિવના કેસમાં ચિંતાજનક વધારો જતો જોવા મળી રહ્યો છે ત્યારે હળવદ સરકારી હોસ્પિટલમાં દરરોજ કોરોનાના રિપોર્ટ કરવા માટે લાઇનો લાગે છે સાથે ગ્રામ્ય વિસ્તારના પણ આરોગ્ય સેન્ટરો પર લાંબી કતારો જોવા મળી રહી છે અને દરરોજ મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. આવી પરિસ્થિતિ વચ્ચે પણ હળવદ સરકારી હોસ્પીટલમાં કોવીડ સેન્ટર ચાલુ કરવામાં ન આવ્યું હોવાથી હળવદ તાલુકા ભાજપ મંત્રીએ રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રીને રજૂઆત કરી તાત્કાલિક કોવિડ સેન્ટર ચાલુ કરવા અપીલ કરી છે. જો કે આશ્ચર્ય એ વાતનું છે કે હળવદ ધારાસભ્ય સાબરીયા પાસે મોરબીના હેલ્થ સેન્ટરની મુલાકાત લેવાનો સમય છે, પરંતુ ઘર આંગણે લોકોના આરોગ્ય સુખાકારીની સમસ્યા ધ્યાને લેવાનો સમય નથી. હળવદમાં કોરોના પોઝિટિવના કેસોમાં ચિંતાજનક વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે ખાસ કરીને મધ્યમ વર્ગ અને નાના વર્ગના લોકો કોરોના પોઝિટિવ આવ્યા બાદ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવા માટે જવું પડતું હોય છે ત્યારે હળવદમાં કોવિડ સેન્ટર ચાલુ કરવામાં આવે તેવી તાલુકા ભાજપ મંત્રી નયનભાઈ પટેલે રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી કુમારભાઈ કાનાણીને રજૂઆત કરી જણાવ્યું છે. સાથે વધુમાં એ પણ માહિતી મળી છે કે તાલુકા ભાજપ મંત્રીની રજૂઆત બાદ રાજ્યકક્ષાના મંત્રી દ્વારા સ્થાનિક તંત્ર પાસેથી રિપોર્ટ પણ માંગવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.