જિલ્લા પંચાયતના મહિલા સદસ્ય અને તેમની ટીમે સિવિલમાં અસામાજિકોના ત્રાસ સામે બંડ પોકાર્યું : 8 દિવસમાં કડક કાર્યવાહી ન થાય તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલમાં હાલ કોરોનાની સારી સારવાર આપવામાં આવી રહી છે. પણ અસામાજિક તત્વોની સિવિલ હોસ્પિટલમાં ભારે રંજાડ રહે છે. અસામાજિક તત્વોના ત્રાસને કારણે દર્દીઓની સાથે સિવિલનો સમગ્ર સ્ટાફ પણ ત્રસ્ત બની ગયો છે. ત્યારે જિલ્લા પંચાયતના મહિલા સદસ્ય અને તેમની ટીમે સિવિલમાં અસામાજિકોના ત્રાસ સામે બંડ પોકાર્યું છે અને તેમણે આ મામલે કલેકટર તથા એસપીને આવેદનપત્ર આપી જો 8 દિવસમાં સિવિલમાંથી અસામાજિકોનો ત્રાસ દૂર ન થાય તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી છે. મોરબી જિલ્લા પંચાયતના મહિલા સદસ્ય રેખાબેન એરવાડિયા અને તેમની મહિલા વિંગ ટીમે આજે જિલ્લા કલેકટર અને એસપીને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે મોરબી સિવિલ હોસ્પિટલમાં તંત્ર, ડોક્ટરો તેમજ સમગ્ર સ્ટાફ દર્દીઓની સારવાર કરવા માટે ખડેપગે રહે છે. હાલ અન્ય કરતા મોરબી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર બહેતર છે. પણ સિવિલ હોસ્પિટલમાં અસામાજિક તત્વોનો ભારે ત્રાસ છે. જેમાં અસામાજિક તત્વો સિવિલમાં પડ્યા પાર્થયા રહેતા હોવાથી આ હોસ્પિટલમાં અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. રાત્રે દારૂ સહિત ઘણી બધી અસામાજિક પ્રવૃત્તિઓ થાય છે. દારૂડિયાઓની મેહીફલ જામે છે. દારૂડિયાઓ દારૂ પીને આ સિવિલ હોસ્પિટલમાં દંગલ મચાવે છે. આ અસામાજિક તત્વોના ત્રાસને કારણે દર્દીઓ અને ખુદ સિવિલનો સ્ટાફ પણ એટલો ભયભીત બન્યો છે કે આવા તત્વો સામે ફરિયાદ કરતા પણ ડરે છે. સિવિલ હોસ્પિટલમાં નર્સ સહિતનો ઘણો મહિલા સ્ટાફ કામગીરી કરે છે. આ મહિલા સ્ટાફની નાઈટ ડ્યુટી હોય ત્યારે અસામાજિક તત્વોની હરકતને કારણે નોકરી કરતી બહેનો મુશ્કેલીમાં મુકાય જાય છે.સિવિલ હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા જ નથી. આથી, સિવિલમાં નોકરી કરતી નર્સ બહેનો સહિતના સ્ટાફની સુરક્ષા જ રહી નથી. જો કે સિવિલ હોસ્પિટલમાં પોલીસ ચોકી છે ખરી. પણ જવાબદાર પોલીસે અમારી માત્ર પોસ્ટમોર્ટમ માટે જ નિમણૂક કરી હોવાનું કહીને ઉડાવ જવાબો આપે છે અને મોરબી એ ડિવિજનમાં ફરિયાદ કરવા જવાનું કહે છે. તેથી, સિવિલ સ્ટાફ અને દર્દીઓની સલામતી ભગવાન ભરોસે રહે છે. આથી, તેમણે એસપી અને કલેકટરને આવેદનપત્ર આપી જો આગામી 8 દિવસમાં સિવિલમાંથી અસામાજિક તત્વોનો ત્રાસ દૂર ન કરાઇ તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી છે.