સીરામીક ઉધોગકારો ઉપર થયેલી એટ્રોસીટીની ફરિયાદ પરત ખેંચવાની પણ માંગ મોરબી : મોરબીના સીરામીક ઉધોગકારો ઉપર તાજેતરમાં કેટલાક શખ્સોએ હુમલો કરીને લૂંટ મચાવી હતી. તેમજ હુમલાખોરો સીરામીક ઉધોગકારો ઉપર હુમલો અને લૂંટ કરી હોવા છતાં સીરામીક ઉધોગકારો ઉપર એટ્રોસીટીની ફરિયાદ નોંધાવી હતી. આથી મોરબીના ઉદ્યોગકારો ઉપર વારંવાર થતા હુમલા અને તેમની સામે ખોટી ફરિયાદો સામે રક્ષણ આપવાની માંગ સાથે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરાઈ છે. રજુઆતમાં જણાવ્યું હતું કે, મોરબી સિરામિક મેનુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા તા. 9-06-2022 ના રોજ મળેલ ફરિયાદ મુજબ મોરબી જિલ્લામાં અસામાજિક તત્વો દ્વારા વારંવાર હુમલાઓ કરવામાં આવે છે અને ધાક ધમકી આપી ઉધોગના કર્મચારી પાસેથી ખંડણી ઉઘરાવવામાં આવે છે. આવો એક બનાવ તા. 8-06-2022 ના રોજ મોરબીના રફાળેશ્વર પાસે બાયો હતો. જેમાં સીરામીક ઉધોગકારો ઉપર સામાન્ય બાબતે હીંચકારો હુમલો થયો હતો અને લૂંટ કરવામાં આવી હતી. વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય હંમેશા એક શાંતિપ્રિય અને ઉદ્યોગો માટે સાનુકૂળ રાજ્ય રહ્યું છે. અસામાજિક તત્વો દ્વારા આવા કિસ્સાઓમાં વધારો થતો જાય છે જે આપણા રાજ્ય માટે એક ખુબ જ ગંભીર બાબત છે. આવા કિસ્સાઓને કારણે ઉદ્યોગકારોમાં તેમજ કામદારોમાં અસુરક્ષા અને ભયની લાગણી વ્યાપી અને તેઓનો મનોબળ ઘટયો છે અને તેમના રોજિંદા ઉત્પાદન કાર્યમાં વિક્ષેપ પડયો છે. આ બાબતને ગંભીરતાથી લઇ તાત્કાલિક ધોરણે આવા અસામાજિક તત્વો વિરુદ્ધ પગલાં લેવાની તેમજ ઉદ્યોગકારો અને તેમના એકમોમાં કામ કરતા કર્મચારીને કાયદાકીય રક્ષણ આપી તેમની સામે દાખલ કરેલ ખોટા એટ્રોસિટીની ફરિયાદો પરત ખેંચવાની તાતી જરૂરિયાત છે અને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.