મચ્છુ-2 ડેમમાંથી પૂરતું પાણી મળતું ન હોય તાકીદે કામગીરી કરવા માંગ મોરબી : મોરબી શહેર માટે પીવાનું પાણી પુરુતા પ્રમાણમાં પાણીનો જથ્થો પૂરો પાડવા મચ્છુ-2 ડેમ ઉપર જરૂરી કામગીરી તાત્કાલીક કરાવવા અંગે મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર દ્વારા મોરબી સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરી છે. આ રજૂઆતમાં જણાવાયું છે કે શહેર માટે પીવાનું પાણી પહોચતું નથી અને મોરબીની સમગ્ર જનતા પાણી વગર તરસી રહે છે. આ બાબતે વડી કચેરી તેમજ કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, સિંચાઈ વિભાગ, પાણી પુરવઠા વિભાગ આમ તમામ અધિકારીઓને જાણ કરેલ છે. તેમ છતાય આ બાબતે કોઈ કાર્યવાહી થયાનું જણાતું નથી. વધુમાં, ડેમ સાઇટ ઉપરના પાણીના વાલ્વના ખાડામાં પ્લેટ આવી ગયેલ છે અને મરજીવાને બોલાવી કઢાવવી પડે તેમ છે, તેવું સિંચાઇ કચેરીના વર્તુળમાંથી જાણવા મળેલ છે તો આ બાબતે જે કોઈને બોલાવવાના થતાં હોય, તેમણે તાત્કાલીક બોલાવી ઝડપથી કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે. આ બાબતે મોરબીના નગરજનોની વારંવાર ફરિયાદો આવી રહી છે. આવા કાળઝાળ ઉનાળામાં પાણી વગર જરા પણ ન ચાલે અને લોકોને પાણી મળતું નથી તો તાત્કાલીક જરૂરી કાર્યવાહી કરી અને પાણી ચાલુ કરાવવા માંગ કરવામાં આવી છે.