મોરબી : મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા દ્વારા ડેવેલોપમેન્ટ પ્લાન (D.P.) બનાવવા માટે મોરબી જીલ્લા કલેક્ટર જે. બી. પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ લેખિત રજુઆતમાં જણાવાયું છે કે સરકારના જાહેરનામાની તા.૨૮-૦૮-૨૦૧૨ થી મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળ, મોરબી (મવડા) અસ્તિત્વમાં આવેલ. તે પહેલા મોરબી નગરપાલિકા દ્વારા નિયમાનુસાર ડેવેલોપમેન્ટ પ્લાન (D.P.) સરકારમાં સબમિટ કરેલ છે. ત્યારબાદ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળ, મોરબી (મવડા) દ્વારા વર્ષ ૨૦૧૫ માં ડેવેલોપમેન્ટ પ્લાન (D.P.) બનાવી સરકારમાં સાદર કરેલ છે. ત્યારબાદ વર્ષ ૨૦૧૬માં સરકારના જાહેરનામા મુજબ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળ, મોરબી(મવડા) માંથી કુલ-૩૩ ગામ રદ કરેલ છે. જેથી, મવડા વિસ્તાર ઘટી જતાં મવડા દ્વારા સરકારમાં સાદર કરેલ ડેવેલોપમેન્ટ પ્લાન (D.P.) સરકાર દ્વારા રિફ્યૂઝ ટુ સેંકસન કરેલ છે. ઉક્ત વિગતો ધ્યાને લેતા મોરબી શહેર અને વાંકાનેર શહેરનો ડેવેલોપમેન્ટ પ્લાન (D.P.) બનાવવો જરૂરી હોય, તેમજ મોરબી સિરામિક ફેક્ટરીઓનું હબ હોય આશરે ૧૦૦૦ કરતાં પણ વધારે સિરામિક ફેક્ટરીઓ મોરબીમાં સ્થાપિત થયેલ છે. જેથી, અન્ય શહેરો તેમજ અન્ય રાજ્યોમાંથી કામદારો મોરબીમાં વસવાટ કરતાં હોય મોરબીની વસ્તી અનેકગણી વધી રહી છે. તેમજ સિરામિક પ્રોડક્ટસની હેરાફેરી માટે ટ્રાન્સપોર્ટેશન પણ વધી ગયું હોય, આશરે ૫૦૦૦થી પણ વધારે ટ્રક જેવા ભારે વાહનોની દરરોજ અવર-જવર રહે છે. જેથી, દિન-પ્રતિદિન શહેરનો વિકાસ થતો હોય રોડ-રસ્તા અને ડ્રેનેજ વ્યવસ્થા આયોજન મુજબ કરવા ડેવેલોપમેન્ટ પ્લાન (D.P.) જરૂરી છે. જેથી, મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળ, મોરબી (મવડા) દ્વારા તાત્કાલિક ધોરણે ડેવેલોપમેન્ટ પ્લાન (D.P.) બનાવવા જરૂરી પગલાં લેવા અંગત ભલામણ સહ નમ્ર વિનંતી છે.