મોરબી : મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નરને લેખિત રજૂઆત કરીને ફાયનાન્સ કંપનીઓની મનમાની અને ગ્રાહકોને થતી હેરાનગતિ બાબતે રજૂઆત કરવામાં આવી છે. મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા જણાવાયું છે કે, મોરબીમાં જે ફાયનાન્સ કંપનીઓને રિઝર્વ બેંક દ્વારા લાયસન્સ અપાયું છે તે કંપનીઓ દ્વારા વાહન તથા મકાનો પર લોન આપવામાં આવી રહી છે તેમાં પહેલા ગ્રાહકોને 45 હપ્તામાં ભરી આપવા જણાવે છે અને પછી મનમાની કરીને 65 હપ્તા કરી નાખે છે. આ ઉપરાંત વ્યાજ બાબતે પણ ગ્રાહકોને જાણ કરાતી નથી. ગ્રાહકો જે ચેક આપે છે તે મોડા નાખે છે અને પેનલ્ટી રૂપે 500 રૂપિયા પડાવે છે. અને જો ત્રણ હપ્તા ચડી જાય એટલે ગાડી ખેંચી જાય છે. અને 15 દિવસમાં ગાડીની હરરાજી કરીને આરસી બુક પણ નવી બની જાય છે. પાંચ લાખની લોન બાકી હોય તેવા 50 લાખના મકાનને સિલ મારી દે છે. આ પ્રકારના ફાયનાન્સ કંપનીના ત્રાસથી ગ્રાહકો કંટાળી ગયા છે. ત્યારે આ અંગે કોઈ નક્કર પગલાં લેવામાં આવે તેવી મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ રજૂઆત કરી છે.