વિધાર્થિનીઓમાં ભણતર સાથે ગણતર ઉપરાંત એક સફળ ઉદ્યોગ સાહસિકના ગુણ કેળવવા અભિનવ પ્રયોગ મોરબી : વિધાર્થિનીઓમાં ભણતર સાથે ગણતર ઉપરાંત એક સફળ ઉદ્યોગ સાહસિકના ગુણ કેળવાય તેવા ઉમદા હેતુથી આર.ઓ.પટેલ મહિલા કોલેજ દ્વારા આયોજિત બિઝનેસ ફેરમાં કોલેજની વિદ્યાર્થીનીઓએ રૂપિયા 48 હજારનો નફો કમાતા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત આર.ઓ.પટેલ મહિલા કોલેજ દ્વારા એક ભવ્ય બિઝનેસ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનીઓ ભણતર સાથે ગણતર તદુપરાંત એક સફળ ઉદ્યોગ સાહસિકના ગુણ કેવા હોય અને પોતે કેવી રીતે પોતાના ઈનોવેટિવ આઈડિયાથી ગ્રાહકોને વધુને વધુ આકર્ષિત કરી શકે સાથો-સાથ કેન્દ્ર અને રાજ્ય સરકારની સ્ટાર્ટ અપ, સ્ટેન્ડ અપ, અને ઈન્નોવેશન અંગેની પોલિસી અંગેનું તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કરી બિઝનેસનો રુબરુ અનુભવ મળે તે હતો. આ બિઝનેસ ફેરમાં વિવિધ પ્રકારના ઝોન જેવા કે ફૂડ ઝોનમાં પાણીપુરી, ભૂંગરા બટેટા, બ્રેડ બટેટા, સ્પેશિયલ ચાટ, વેજિટેબલ સેન્ડવિચ, ચાઇનીસ રોલ, ભેળ તથા બેકરીની આઇટમનું વિધાર્થિનીઓ જાતે બનાવીને અન્ય વિધાર્થિનીઓને વેચાણ કર્યું હતું. સાથો-સાથ જનરલ ઝોનમાં સ્ટેશનરીની વસ્તુઓ, રેડીમેઇડ કપડાં, કટલેરી વગેરે વસ્તુનું વેચાણ કર્યું હતું. તદુપરાંત ગેમ્સ ઝોનમાં જુદી જુદી માઈન્ડ પાવર ગેમ્સ, સ્પીનર ગેમ્સ, ગ્લાસ ગેમ્સ, રીંગ ગેમ્સ, બ્રેઇન પાવર ગેમ્સ, પ્લે કાર્ડ ગેમ્સ, કૉન્સન્'ટ્રેઈશન & અ'ટેન્શન ગેમ્સ વગેરે ગેમ્સમાં કોલેજ અને સંસ્થાની અન્ય વિધાર્થિનીઓ દ્વારા ગેમ્સ રમી આનંદ મેળવ્યો હતો. ઇન્સ્ટન્ટ ટેટૂ ઝોનમાં કોલેજની વિદ્યાર્થીની દ્વારા અન્ય વિદ્યાર્થીનીઓને ઇન્સ્ટન્ટ ટેટૂ બનાવી પોતાની કળા ઉજાગર કરી હતી.બધા ઝોનનું કુલ વેચાણ આશરે રુપિયા 1,05,000 કરી આશરે રુપિયા 48000 જેવા નફાની કમાણી કરતા વિદ્યાર્થીનીઓ ખુશખુશાલ બની હતી. બિઝનેસ ફેરમાં સંસ્થાની આશરે 4500 થી 5000 જેટલી વિદ્યાર્થીનીઓએ મુલાકાત લીધેલ હતી તો આટલી બહોળી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ આવન-જાવન હોવાથી કોઈ પણ પ્રકારની અગવળતાં ન પડે અને આયોજનબદ્ધ તથા સફળતાપૂર્વક કાર્યક્રમ પૂર્ણ થાય તે માટે કોમર્સના સ્ટાફગણે ભારે જહેમત ઊઠાવી હતી. બિઝનેસ ફેરના અંતમાં સંસ્થાના પ્રમુખ બેચરભાઈ હોથી, અધ્યક્ષ વલમજીભાઈ અમૃતિયા, કોલેજના પ્રિન્સિપાલ અશ્વિનસર તથા કોમર્સ વિદ્યાશાખાના અઘ્યક્ષ મયુરભાઈ હાલપરાએ સર્વે વિદ્યાર્થીનીઓને કેન્દ્ર અને રાજ્ય સરકારની સ્ટાર્ટ અપ, સ્ટેન્ડ અપ, અને ઈન્નોવેશન પોલિસીનું માર્ગદર્શન આપી ભવિષ્યમાં દેશના એક પ્રમાણિક અને સફળ ઉદ્યોગ સાહસિક બની સમાજ તેમજ દેશ માટે ઉપયોગી બની રહે તેવા અભિનંદન પાઠવ્યા હતા.