મોરબી : મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ દ્વારા તાજેતરમાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ભારતની લોકશાહી અને વારસાને નજીકથી અનુભવવાની અનોખી તક મળી હતી. ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલના 60 વિદ્યાર્થીઓએ આ શૈક્ષણિક પ્રવાસ દરમિયાન સંસદ ભવનની મુલાકાત લીધી હતી.લોકશાહાના મંદિર ગણાતા સંસદ ભવનમાં વિદ્યાર્થીઓએ આશરે 2 કલાક જેટલો સમય વિતાવ્યો હતો અને ભારતના શાસનતંત્રને વધુ નજીકથી જાણ્યું હતું. વિદ્યાર્થીઓએ લોકસભા, રાજ્યસભા અને જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હોલની મુલાકાત લીધી. તેઓને સંસદ સત્ર દરમિયાન ગેલેરીઝમાંથી કાર્યવાહી નિહાળવાની તક પણ મળી, જે અનોખો અને યાદગાર અનુભવ રહ્યો. ખાસ ક્ષણ એ હતી જ્યારે વિદ્યાર્થીઓને એ જ સ્થાન પર બેસવાની તક મળી, જ્યાંથી પ્રધાનમંત્રીએ દેશને મહત્વપૂર્ણ ભાષણો આપ્યા છે.ત્યારબાદ વિદ્યાર્થીઓએ રાષ્ટ્રપતિ ભવનના ભવ્ય પ્રાંગણની મુલાકાત લઈ અનોખો ગર્વ અનુભવ્યો હતો. આ પ્રવાસ વાલીઓના વિશ્વાસ, વિદ્યાર્થીઓના ઉમળકા અને શાળા પરિવારના સહયોગથી સફળ બન્યો હતો. આ સ્મરણિય ક્ષણોએ શાળાની શિક્ષણયાત્રાને નવા ઉલ્લાસથી પ્રેરિત કરી અને સૌને વધુ ઊંચા સપના જોવાની શક્તિ આપી હતી.