મોરબી : ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા સોમનાથ ખાતે આયોજિત 'ભારત કો જાનો પ્રશ્નમંચ' સ્પર્ધામાં ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સ્પર્ધામાં જુદી જુદી 17 શાખાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં મોરબીની નાલંદા વિદ્યાલયમાં ધોરણ 7 માં અભ્યાસ કરતા લોરીયા ધર્મ કમલેશભાઈ અને ધોરણ 6 માં અભ્યાસ કરતા બોપલિયા જીયાન પરેશભાઈ બંને વિદ્યાર્થીઓએ પ્રાંત કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરીને મોરબી શાખાનું ગૌરવ વધાર્યું છે.પ્રાંત કક્ષાએ વિજય મેળવ્યા બાદ, બંને વિદ્યાર્થીઓ હવે ક્ષેત્રીય કક્ષાના 'ભારત કો જાનો પ્રશ્નમંચ'માં સૌરાષ્ટ્ર પ્રાંતનું પ્રતિનિધિત્વ કરશે. આ ક્ષેત્રીય કક્ષાની સ્પર્ધા નાગપુર ખાતે યોજાવાની છે. ત્યારે ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના કોષાધ્યક્ષ હિરેનભાઇ ધોરિયાણી, સચિવ ધ્રુમિલભાઈ આડેસરા, અને અધ્યક્ષશ હિંમતભાઈ મારવાણિયા સહિત સમગ્ર શાખાએ વિજેતા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.