મોરબી : રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે તાજેતરમાં યોજાયેલા એડવેન્ચર કોર્સમાં મોરબીની મહાત્મા ગાંધી વિદ્યાલય-ત્રાજપરના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. આ તાલીમ દરમિયાન વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી બાળકોએ શાળા અને મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે.ગઈ તારીખ 20/02/2026 થી 27/02/2026 દરમિયાન 'સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગ' (SVIM) માઉન્ટ આબુ ખાતે 9 થી 13 વર્ષના બાળકો માટે 360મો એડવેન્ચર કોર્સ યોજાયો હતો. જેમાં મોરબીની મહાત્મા ગાંધી વિદ્યાલયના ચાર વિદ્યાર્થીઓ ક્રિષ્ના કટારા, જૈનિશ ધંધુકિયા, અયાન કડીવાર અને યશરાજ ધંધુકિયાએ સફળતાપૂર્વક કોર્સ પૂર્ણ કરી પ્રમાણપત્રો મેળવ્યા હતા.આ તાલીમ દરમિયાન યોજાયેલી નકલેક હિલ રનિંગ સ્પર્ધામાં 10 વર્ષના અયાન રહીમભાઈ કડીવારે પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે 9 વર્ષના યશરાજ રવિભાઈ ધંધુકિયાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી સિલ્વર મેડલ મેળવ્યો હતો. વર્લ્ડ રેકોર્ડ વિજેતા પ્રેમાંશંકર પંડ્યાના હસ્તે વિદ્યાર્થીઓને મેડલ, ટી-શર્ટ અને ગિફ્ટ વાઉચર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.મહત્વની વાત એ છે કે, આ તમામ બાળકો શ્રમિક પરિવારમાંથી આવે છે. શાળાના સંચાલક લાલજીભાઈ હુનપરાના માર્ગદર્શન હેઠળ બાળકોએ 'પરિશ્રમ એ જ પારસમણી' અને 'મન હોય તો માળવે જવાય' જેવી ઉક્તિઓને સાર્થક કરી બતાવી છે. આ સિદ્ધિ બદલ શાળા પરિવાર અને મોરબી પંથકમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.#Morbi #MorbiUpdate #StudentAchievement #MountAbu #AdventureCourse #Education #Achievement #MorbiNews