મોરબી : આજે 21 જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. ત્યારે ભરતનગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ઘરે રહીને યોગ દિવસની ઉજવણી કરી હતી. યોગ એટલે જોડાણ યોગ એ એક પ્રાચીન શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહિ પણ આપણો ભારત દેશ છે. યોગ, શરીર અને આત્માના જોડાણનો પ્રતીક છે. યોગ એક આધ્યાત્મિક શિસ્ત છે. યોગ સદીઓથી ચાલી આવતી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે. એકવીસમી જૂન એ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ છે અને આ જ કારણે પ્રધાનમંત્રી મોદીએ 21મી જૂનને વિશ્વ યોગ દિવસ મનાવવા માટે સૂચન કર્યું. ત્યારબાદ ૨૦૧૫થી ૨૧મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું છે. ત્યારે કોરોના મહામારી દરમિયાન ભરતનગર પ્રાથમિક શાળાના ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓએ ઘરે રહીને જ આજના આંતરરાષ્ટ્રીય યોગ દિવસે યોગાસનો કર્યા હતા. અને યોગ દિવસની ઉજવણી કરી હતી તેમ યાદીમાં જણાવાયું છે.