આ દરમિયાન કમિશનર સ્વપ્નિલ ખરે, ડે. કમિ. સહિતનાઓ દ્વારા વિદ્યાર્થીઓને મનપા કામગીરી અંગે માહિતીગાર કરાયા મોરબી : મોરબી મહાનગરપાલિકાની 1 વર્ષની ઉજવણીના અનુસંધાને મોરબીની વિવિધ શાળાઓમાંથી 200 જેટલા વિદ્યાર્થીઓએ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. આ વિભાગોની મુલાકાત પહેલા જ કમિશનર સ્વપ્નિલ ખરે, ડે. કમિશનર સંજય સોની અને કુલદીપ વાળા સહિતનાઓ દ્વારા વિદ્યાર્થીઓને મહાનગરપાલિકા કઈ રીતે કામ કરે છે, ક્યાં એક્ટ લાગુ પડે છે વગેરે જેવી માહિતી આપવામાં આવી હતી. આ દરમિયાન વિભાગોમાં ઓછો સ્ટાફ હોવા છતાં કઈ રીતે કામગીરી થાય છે તે અંગે પણ માહિતી આપવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ પણ આપવામાં આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન આ વિદ્યાર્થીઓને વિભાગો અંગે પ્રશ્નોતરી કરી અને તેમાંથી અમુક વિદ્યાર્થીઓ પસંદ કરવામાં આવશે. પસંદ પામેલા વિદ્યાર્થીઓ કમિશનર સાથે આવતીકાલે આખો દિવસ વિતાવી કમિશ્નર કેવી રીતે કામ કરે છે. કઈ કઈ જગ્યાએ જાય છે તે અંગેની માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત જે શ્રેષ્ઠ વિદ્યાર્થી છે તેને 1 કલાક માટે કમિશનર પણ બનાવવામાં આવશે. આ દરમિયાન કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, 1 જાન્યુઆરી 2026ના રોજ મોરબી મહાનગરપાલિકાને 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. જેની ઉજવણીના ભાગ રૂપે આજે વિભિન્ન શાળાઓને બાળકોને મુલાકાત અર્થે બોલાવવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ સેશનમાં બાળકોને મહાનગરપાલિકા અંગે માહિતી આપવામાં આવી હતી. આ દરમિયાન તેઓને વિવિધ શાખાઓની મુલાકાતે લઈ જવાયા હતા. જેમાં વિવિધ શાખાના અધ્યક્ષ દ્વારા તે અંગે માહિતી આપવામાં આવી હતી. કોર્પોરેશન દ્વારા કેવી રીતે લોકોના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવે છે તે અંગે માહિતીગાર કરવામાં આવ્યા. તેમજ અરજદારો સાથે વાર્તાલાપ કરશે. આ સાથે જ રાજદારોનો દ્રષ્ટિકોણ વગેરે જાણવામાં આવશે. આ સાથે 31મીના મનપાને એક વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે પટેલ સમાજવાડીના બહારના વિસ્તારમાં આતેશબાજીનો કાર્યક્રમ રાખેલ છે. જેમાં મોરબીની જનતાને આ કાર્યક્રમમાં જોડાવવા આમંત્રણ આપવામાં આવ્યું છે. આ દરમિયાન નાલંદા સ્કૂલના વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, મોરબી મનપાને એક વર્ષ પૂર્ણ થયું જેને લઈને મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેઓને પ્રથમ વિવિધ વિભાગો અંગે માહિતીગાર કરાયા. મનપાની કામગીરી અંગે પાયાના ધોરણેથી માહિતી અપાઈ. આ દરમિયાન ટેક્સ ડિપાર્ટમેન્ટ કેવી રીતે કામગીરી કરે છે, ટેક્સ ચોરી, કરપ્શન વગેરે અંગે માહિતી આપવામાં આવી. જેના માટે વિદ્યાર્થીઓએ આભાર વ્યક્ત કર્યો હતો.