મોરબી: મોરબીની જાણીતી ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલના ધોરણ 7 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભેસદડિયા વેનિસ કલ્પેશભાઈએ 'ઇન્ડિયાઝ ગ્રેટેસ્ટ ટેલેન્ટ' રિયાલિટી શોમાં રાષ્ટ્રીય સ્તરે પ્રથમ સ્થાન મેળવીને મોરબી અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલના તેજસ્વી વિદ્યાર્થી વેનિસે આ રાષ્ટ્રીય કક્ષાના ટેલેન્ટ શોમાં સંગીતની કેટેગરીમાં આ અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે. આ શો Zee TV અને 9XM ચેનલ પર પ્રસારિત થયો હતો.શોના જજ તરીકે જાણીતા પ્રખ્યાત ડાન્સર રાજ શર્મા હતા. તેમણે વેનિસના ટેલેન્ટથી પ્રભાવિત થઈને તેને પ્રથમ નંબર આપ્યો હતો. વેનિસે પોતાના પર્ફોર્મન્સમાં તબલા, સ્નેપ, જેમ્બે અને ક્લેપ બોક્સ જેવા વાદ્યોનું અવિસ્મરણીય પ્રદર્શન કરીને જજ અને દર્શકોના દિલ જીતી લીધા હતા.વેનિસની આ મોટી સફળતા પાછળ તેના માતા-પિતા, મમ્મી પાયલબેન અને મોરબીના જાણીતા ઉદ્યોગપતિ પપ્પા કલ્પેશભાઈ જીવરાજભાઈ ભેસદડિયાનો ખૂબ જ સાથ અને સહકાર રહ્યો છે. વેનિસના આ અદ્ભુત પ્રદર્શનથી તેના પરિવારમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે. પરિવારે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે વેનિસે તેમના પરિવારનું નામ રોશન કર્યું છે અને તેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.