આવશ્યક ચીજવસ્તુ સિવાયની તમામ દુકાનો બંધ : લોકોની અવર જવર નહિવત મોરબીમાં શનિવાર સવારથી સ્વયંભૂ લોકડાઉન અમલી થતા બજારો બની સુમસામ મોરબી : મોરબીમાં રોજે રોજ વધતા જતા કોરોના કેસના ઢગલા વચ્ચે મોતના બિહામણા આંકડાઓ સામે આવતા જ મોરબી શહેરમાં મોટાભાગના વેપાર-વાણિજ્ય એસોસીએશન દ્વારા સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય લઈ શનિવાર તથા રવિવારે બે દિવસ માટે સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરતા આજે બજારમાં મોટાભાગની દુકાનોએ સ્વૈચ્છિક બંધ પાળ્યો છે અને લોકોની અવર જવર પણ પાંખી જોવા મળી રહી છે. મોરબી જિલ્લા-શહેરમાં વધતા કોરોના સંક્રમણને લઈને ખુદ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તથા આરોગ્ય સચિવ શુક્રવારે મોરબી દોડી આવ્યા હતા. સંબંધિત તંત્ર સાથે બેઠક કરી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. જેના પરથી ક્યાસ લગાવી શકાય છે કે મોરબી જિલ્લા-શહેરની હાલત કોરોના સંદર્ભે કેટલી ભયાવહ છે. આ સંજોગોમાં મોરબી શહેરમાં આજથી બે દિવસ માટે સ્વયંભૂ લોકડાઉનની અમલવારી શરૂ થઇ છે. આજે શનિવારે સવારથી જ દુકાનદારોએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા. જે વિસ્તારોમાં ભારે ચહેલ પહેલ જોવા મળતી એવા તમામ વિસ્તારોમાં આજે સવારે નગણ્ય લોકોની અવરજવર જોવા મળી હતી. ખાસ કરીને નહેરુગેટ ચોક, ગ્રીનચોક, તખ્તસિંહજી રોડ, સામા કાંઠાના વિસ્તારો, બજાર લાઈન, શાકમાર્કેટ ચોક, શનાળા રોડ, રવાપર રોડ, નવાડેલા રોડ સહિતના વિસ્તારોમાં મોટાભાગની દુકાનો બંધ જોવા મળી રહી છે. સમગ્ર મોરબી શહેરની સ્થિતિ જોતા સ્વયંભૂ લોકડાઉનને જબરો પ્રતિસાદ સાંપડ્યો છે અને લોકો પણ સમજુ બની કામ વગર ઘર બહાર નીકળતા ન હોવાનું સામે આવ્યું છે અને માત્ર દવા, દૂધ, શાકભાજી જેવા વેપાર વાણિજ્ય ચાલુ છે ત્યારે આ બે દિવસીય લોકડાઉનથી મોરબીમાં સંક્રમણ ચોક્કસ પણે ઘટશે તેવું મનાઇ રહ્યું છે.