મોરબીમાં કઠોર તપસ્યા બાદ પણ મહંત હળવદના માથક અને ત્યાંથી બનાસકાંઠા થરા સુધી ચાલીને પહોંચી અન્ન ગ્રહણ કરશે મોરબી : કોઈપણ બીમારી લાગુ પડે ત્યારે સમજુ લોકો કહેતા કે, દવા કરવામાં કોઈ કસર બાકી ન રાખો અને સાથે સાથે ઈશ્વર-અલ્લાહની સાચા મનથી દુઆ પણ કરો જેથી રોગમાંથી કાયમી મુક્તિ મળે છે. આ એક શ્રદ્ધા અને વિશ્વાસની વાત છે. હાલ કોરોના મહામારીનો કહેર છે ત્યારે મોરબીમાં એક મહંતે સમગ્ર વિશ્વમાંથી કોરોનાની આપતિ દૂર થાય તે માટે છેલ્લા 16 દિવસથી એક પગે ઉભા રહી પ્રભુ ભક્તિ કરી કઠોર તપસ્યા શરૂ કરી છે. મૂળ બનાસકાંઠાના થરાના વતની અને હળવદના માથક ગામે આવેલ રાણાબાપાના આશ્રમમાં આશ્રય મેળવતા મહંત રતનપુરી કેદારપુરીએ હાલ કોરોના મહામારીનો દેશ જ નહીં પુરા વિશ્વમાં અંત આવે તે માટે ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરવા મોરબીના કોઠાવાળા મચ્છુ માતાજીના મંદિર ઘાટે અન્નનો ત્યાંગ કરી કઠોર સાધના શરૂ કરી છે.આ મહંત ગત તા.27 એપ્રિલથી અન્નનો ત્યાગ કરી 24 કલાક સુધી ઉભા પગે રહીને આગામી તા.12 મે એટલે કે લગાતાર 16 દિવસ સુધી કઠોર સાધના કરીને ભગવાન સમક્ષ કોરોનાની મહામારીને જડમૂળથી ઉખાડી ફેંકવાની પ્રાર્થના કરી રહ્યા છે. કઠોર તપસ્યા કરતા આ મહંત કહે છે કે,લોકોએ કોરોનાથી ડરવાની જરાય જરૂર નથી. તમામ પ્રકારની સાવચેતી રાખીને દવા કરવામાં જરાય કસર ન રાખો. દવા સાથે દુઆ પણ જરૂરી છે ઈશ્વર કે અલ્લાહની સાચા મનથી દુઆ કરીએ તો આપણે હમેશા સ્વસ્થ રહીશું. સાચા સંત હમેશા સમાજનું ભલું ઈચ્છે છે આથી તેઓએ સમાજ આ રોગની પીડામાંથી મુક્ત થાય તે માટે ઈશ્વર સમક્ષ કઠોર સાધના કરી છે એટલું જ નહીં 16 દિવસની આ કઠોર સાધના બાદ મોરબીથી ચાલીને હળવદના માથક ગામે આવેલ આશ્રમે પહોંચશે અને ત્યાંથી બનાસકાંઠાના થરા ગામે ચાલીને પહોંચ્યા બાદ જ અન્ન ગ્રહણ કરશે.