નંદીઘરના પ્રશ્ને અટકેલી ઢોર પકડ ઝુંબેશ 15 દિવસથી ફરી શરૂ કરાઈ: હાલ 250થી વધુ નંદીઓ નંદીઘરમાં આશ્રિત મોરબી અપડેટ : મોરબી શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે શહેરનો એક પણ મુખ્ય માર્ગ કે વિસ્તાર એવો બાકી નથી રહ્યો જ્યાં ઢોરનો અડિંગો ન હોય. રવાપર રોડ, શનાળા રોડ, પંચાસર રોડ, નવલખી રોડ, વાવડી રોડ, શક્તિ ચોક, લીલાપર રોડ, કલેક્ટર કચેરી રોડ કે પછી સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ હોય—તમામ જગ્યાએ રસ્તા વચ્ચે બેસતા પશુઓને કારણે ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાય છે. એટલું જ નહીં, અવારનવાર સર્જાતા આખલા યુદ્ધને કારણે વાહનચાલકો અને રાહદારીઓ ભોગ બની રહ્યા છે અને નાની-મોટી જાનહાનિના બનાવો પણ બની રહ્યા છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા સઘન અને ઝડપી કામગીરી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.શહેરમાં અગાઉ નંદીઘરના પ્રશ્નને પગલે મહાપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી અટકાવી દેવામાં આવી હતી. જોકે, છેલ્લા 15 દિવસથી આ કામગીરી પુનઃ શરૂ કરવામાં આવી છે, પરંતુ કામગીરીની ધીમી ગતિને લઈને નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.આ સમગ્ર પરિસ્થિતિ અને લોકફરિયાદો અંગે મોરબી મહાનગરપાલિકા કમિશનર સંગીતા રૈયાણીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, રખડતા પશુઓના પ્રશ્નને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે અને કામગીરીને વધુ વેગવંતી બનાવવામાં આવી રહી છે. અગાઉ તંત્ર દ્વારા કામગીરી કરીને આશરે 2500 જેટલી ગાયોને પાંજરાપોળ હવાલે કરવામાં આવી હતી તેમજ 3500 જેટલા નંદીઓની ઓળખ (આઈડેન્ટિફિકેશન) કરવામાં આવી હતી. જે પૈકી 1000 જેટલા નંદીઓને નંદીઘર ખાતે રાખી યોગ્ય પોષણ આપી સ્થળાંતરિત કરાયા હતા અને હાલ પણ 250 થી વધુ નંદીઓ આશ્રયસ્થાનમાં છે.કમિશનર સંગીતા રૈયાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, રસ્તા પર રઝળતા પશુઓમાં માલિકી ધરાવતા ઢોરનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે. પશુપાલકો વહેલી સવારે કે મોડી સાંજે ટ્રાફિકવાળા માર્ગો પર પોતાના ઢોરને છૂટા મૂકી દે છે. આવા મોટાભાગના પશુઓના કાન પર પીળા રંગના ટેગ લાગેલા હોવાથી માલિકોની ઓળખ સરળતાથી થઈ શકે છે.કમિશનરે પશુપાલકોને સ્પષ્ટ ચેતવણી આપતાં જણાવ્યું હતું કે પ્રથમ વખત પકડાતા ઢોરના કિસ્સામાં માલિક પાસેથી નિયમાનુસાર દંડ વસૂલવામાં આવશે. પરંતુ જો માલિકો વારંવાર પોતાના પશુઓને રસ્તા પર રઝળતા મુકવાનું ચાલુ રાખશે, તો મહાપાલિકા દ્વારા તેવા ઢોરને કાયમી ધોરણે કબજે કરી આશ્રયસ્થાન ખાતે રાખી લેવામાં આવશે અને માલિકને પરત સોંપવામાં નહીં આવે.#Morbi #MorbiUpdate #SangitaRaiyani #MorbiMunicipalCorporation #StrayCattle #CattleMenace #ShanalaRoad #RavaparRoad #TrafficIssue #StrictAction #CivicIssue #MorbiNews #GujaratNews