માતબર ખર્ચે ઉભી કરેલી સુવિધાઓ એક મહિનો પણ ન ટકી : ડસ્ટબીનો પણ તૂટેલી હાલતમાં મોરબી : મોરબી મહાપાલિકાએ વાવડી રોડને આઈકોનીક રોડ જાહેર કરી જરૂરી સુવિધાઓ અને આકર્ષણો ઉભા કર્યા હતા પણ તે એક મહિનો પણ ટક્યા નથી. અહીં સ્ટ્રીટ લાઈટો અને મોરલાવાળી લાઈટો હાલ બંધ છે. ડસ્ટબિન પણ તૂટેલી હાલતમાં હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વાવડી રોડને રૂ.1 કરોડના માતબર ખર્ચે આઈકોનીક રોડ બનાવવામાં આવ્યો છે. જ્યારે જન આંદોલનો થયા ત્યારે સ્ટ્રીટ લાઈટના પ્રશ્ન પણ ગાજયા હતા. પરિણામે મહાપાલિકાએ તાબડતોબ અનેક જગ્યાએ સ્ટ્રીટ લાઈટ નખાવી હતી. આ વેળાએ આઈકોનીક રોડ એવા વાવડી રોડ ઉપર તો સ્ટ્રીટ લાઈટ સાથે મોરલાવાળી આકર્ષક લાઈટ પણ નાખવામાં આવી હતી. પરંતુ બદનસીબે એકાદ મહિનામાં જ અનેક લાઈટો બંધ થઈ ગઈ છે. બીજી તરફ આ રોડ ઉપર ડસ્ટબીનો પણ મુકવામાં આવી હતી. જેમાની અનેક ડસ્ટબીનો હાલ તૂટેલી હાલતમાં છે. આ ઉપરાંત ગાર્ડનમાં પણ પૂરતી સુવિધા રહી નથી. અહીં જે વૃક્ષો વાવ્યા હતા તેનો પણ યોગ્ય નિભાવ થયો નથી તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે.