શનાળા રોડ પર આવેલી વિઠ્ઠલનગર સોસાયટીમાં કૂતરાએ વધુ એક નાગરિકને બચકું ભરતા સિવિલ ખસેડાયા: તંત્રનો જવાબ - 'અહીં કૂતરા પકડવાની સવલત નથી!'મોરબી: મોરબીના શનાળા રોડ પર આવેલી વિઠ્ઠલનગર સોસાયટીમાં છેલ્લા બે મહિનાથી રખડતા શ્વાનનો આતંક યથાવત છે. આ અંગે સ્થાનિક રહીશો દ્વારા 2 મહિના પહેલા લેખિતમાં રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેના પરિણામે આજે ફરી એક નિર્દોષ નાગરિકને શ્વાને બચકું ભર્યાની ઘટના સામે આવી છે. 19 રહીશોએ સહી કરીને આપી હતી અરજી છતાં કોઈ ડોગ પકડવા ન આવ્યુંપ્રાપ્ત વિગતો મુજબ, શનાળા રોડ પર કન્યા છાત્રાલય પાછળ અને નવયુગ સ્કૂલની સામે આવેલી વિઠ્ઠલનગર સોસાયટીમાં છેલ્લા બે મહિનાથી બે કૂતરાઓએ ભારે આતંક મચાવ્યો છે. આ શ્વાન સોસાયટીમાંથી પસાર થતા લોકોને અને બાળકોને બચકા ભરી રહ્યા છે. આ ગંભીર સમસ્યા અંગે આશરે 2 મહિના પહેલા એટલે કે તા. 09/03/2026 ના રોજ સોસાયટીના 19 જેટલા જાગૃત નાગરિકોએ સહીઓ સાથે લેખિત અરજી આપી હતી. આમ છતાં આજ દિન સુધી કૂતરા પકડવા માટે કોઈ ટીમ ત્યાં ડોકાઈ પણ નથી.આજે વધુ એક નાગરિક ભોગ બન્યોઆજે ફરી એ જ કૂતરાએ સોસાયટીના એક નાગરિકને પોતાનો શિકાર બનાવ્યો હતો. જેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે દોડી જવું પડ્યું હતું, જ્યાં તેમને હડકવા વિરોધી ઇન્જેક્શન લેવાની ફરજ પડી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ ચોક્કસ કૂતરું દર અઠવાડિયે કે 10 દિવસે સોસાયટીમાં કોઈને કોઈ વ્યક્તિને બટકું ભરી લે છે.પાલિકાનો ચોંકાવનારો જવાબ: 'અમારી પાસે કૂતરા પકડવાની સવલત જ નથી!'આ ઘટનાથી રોષે ભરાયેલા સોસાયટીના એક જાગૃત નાગરિકે જ્યારે મહાપાલિકા કચેરીમાં ફોન કરીને આ અંગે ઉગ્ર પૃચ્છા કરી, ત્યારે બિનજવાબદાર અને ચોંકાવનારો જવાબ મળ્યો હતો. પાલિકાના કર્મચારીએ જણાવ્યું કે, 'અહીંયા ડોગ પકડવાની કોઈ સવલત નથી!'જ્યારે નાગરિકે સામો સવાલ કર્યો કે, મહાનગરપાલિકા હોવા છતાં આવી સામાન્ય સવલત ન હોય તે કેમ વ્યાજબી ગણાય? અને જ્યાં સુધી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી શું અમારે રોજ કૂતરા કરડાવવાના અને ઇન્જેક્શન લેવાના? ત્યારે કર્મચારીએ લૂલો બચાવ કરતા કહ્યું કે, 'કાર્યવાહી ચાલુ છે, પણ હાલ સવલત નથી એટલો ખ્યાલ છે, બાકી વધારે માહિતી માટે સાહેબને આવીને મળી લો.' નગરપાલિકાના આવા વલણના કારણે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. #Morbi #MorbiMunicipality #StrayDogMenace #VithalNagar #ShanalaRoad #PublicOutrage #MorbiNews #Negligence