હળવદના માલણીયાદ ગામે ગતરાત્રે બનેલી ઘટનાને પગલે પોલીસે દોડી જઈને તપાસ હાથ ધરી, કોઈએ જાણી જોઈને અંગત અદાવતમાં આ કૃત્ય આચર્યું છે કે કેમ તે દિશામાં તપાસ હળવદ : હળવદના માલણીયાદ તસ્કરોની વિચિત્ર હરક્ત સામે આવી હતી. જેમાં તસ્કરોએ આ ગામના એક પરિવારના ઘરમાં ઘુસ્યા બાદ ખાખાખોળા કરતા કઈ હાથ ન લાગતા ફળિયામાં સુતેલી આ પરિવારની તરુણ વયની દીકરી ઉપર ખાર ઉતાર્યો હતો અને ફળિયામાં સુતેલી દીકરીનો ચોટલો કાપી નાખ્યો હતો. આ બનાવની જાણ થતાં પોલીસે દોડી જઈને તપાસ હાથ ધરી છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના નવા માલણીયાદ ગામે રહેતા વિષ્ણુભાઈ ખીમાંભાઈ ડાભી ગતરાત્રે ગરમી બચવા માટે તેમની પત્ની અને તેમની 15 વર્ષની દીકરી ફળિયામાં સુતા હતા.ત્યારે તસ્કરો ત્રાટકયા હતા અને તસ્કરોએ તેમના ઘરમાં ઘૂસીને ઘરનો સમાન વેરવિખેર કરી નાખ્યો હતો. પણ ઘરમાંથી કોઈ મુદામાલ હાથ ના લાગતા લાજવાને બદલે ગાજેલા તસ્કરોએ ઘરમાંથી કઈ ન મળવાનો ખાર આ પરિવારની દીકરી ઉપર ઉતાર્યો હતો અને તસ્કરોએ ફળિયામાં સુતેલી 15 વર્ષની દીકરીના વાળનો ચોટલો કાપી ભાગી છૂટ્યા હતા. તસ્કરોએ આ દીકરીનો ચોટલો કાપીને ત્યાંજ કપાયેલા વાળનો ચોટલો નાખીને ભાગી છૂટ્યા હતા. તેવામાં સળવળાટ જાગી ગયેલા આ પરિવારને દીકરીનો ચોટલો કપાયાની જાણ થતાં રાત્રે હો-હા મચી જતા ગામ ભેગું થઈ ગયું હતું. આ બનાવની જાણ થતાં રાત્રે જ પોલીસે દોડી ગઈ હતી. જો કે આ બનાવમાં ખરેખર કોઈ અજાણ્યા શખ્સોએ ખારમાં આ કૃત્ય આચર્યું છે કે પછી કોઈએ જાણી જોઈને અંગત અદાવતમાં આ કૃત્ય આચર્યું છે કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે