ટંકારાના શિક્ષકોની પાંચે - પાંચ કૃતિઓની પસંદગી કરવામાં આવ્યા બાદ દેકારો થતા નવું પરિણામ જાહેર કરાયુ મોરબી : મોરબી જિલ્લામાં શિક્ષણમાં શોધ સંશોધન આધારે પરિવર્તન લાવવાના ઉદેશ્યથી દર વર્ષે યોજાતા એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં છેલ્લા થોડા વર્ષમાં વગે વાવણા કરી એક માત્ર ટંકારા તાલુકાના શિક્ષકોની જ કૃતિઓ પસંદ કરવાંનો સિલસિલો શરૂ થતા શિક્ષકોમાં ઉઠેલા રોષનો પડઘો મોરબી અપડેટમાં પ્રસિદ્ધ થતા જ લાગવગશાહી ઉપર રોક લાગી હોય તેવી સ્થિતિ વચ્ચે આજે અચાનક જ અગાઉના પરિણામને રદ કરી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા નવા પરિણામ જાહેર કર્યા છે જેમાં મોરબી, હળવદ, માળીયા અને ટંકારાની કૃતિઓને રાજ્યકક્ષા માટે સ્થાન આપવામાં આવ્યું છે. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા દર વર્ષે યોજાતા એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં શિક્ષકો દ્વારા અવનવા સંશોધન સાથેની કૃતિઓ રજૂ કરવામાં આવે છે પરંતુ તાજેતરમાં યોજાયેલ આઠમા એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં ગતવર્ષની જેમ જ લાગવગશાહી અખત્યાર કરીને મોરબી જિલ્લાના અન્ય તાલુકાઓની કૃતિઓ ઉત્કૃષ્ટ હોવા છતાં અન્ય તાલુકાને અન્યાય કરી માત્રને માત્ર ટંકારા તાલુકાની પાંચે પાંચ કૃતિઓ પસંદ કરવામાં આવતા શિક્ષકોમાં રોષ વ્યાપી ગયો હતો, અને આ અંગેના વિસ્તૃત સમાચાર મોરબી અપડેટમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. બીજી તરફ મોરબી અપડેટમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલનો ત્વરિત પડઘો પડ્યો છે અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા અગાઉના પરિણામને રદ કરી આઠમા એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલના નવા પરિણામ જાહેર કર્યા છે જે અંતર્ગત પ્રથમ ક્રમે માળીયા તાલુકાની કુંતાસી પ્રાથમિક શાળાના શિક્ષક ગોધાણી બેચરભાઈ ઈશ્વરભાઈની કૃતિને મળ્યો છે. જયારે બીજા ક્રમે નેકનામ પ્રાથમિક કન્યા શાળાના શિક્ષિકા પડાયા સુષ્મા કરશનભાઇ, ત્રીજાક્રમે હળવદ તાલુકાના માનસર પ્રાથમિક શાળાના પટેલ વિમલકુમાર હિંમતલાલ, ચોથાક્રમે બહુચર વિદ્યાલય મીતાણાના વાટકીયા પ્રવિણચંદ્ર બાબુલાલ અને પાંચમા ક્રમે મોરબી વી.સી.ટેક્નિકલ હાઈસ્કૂલના તન્ના અમિતકુમાર રમેશચંદ્રની કૃતિને મળ્યો છે.