મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની યાદી જણાવે છે કે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચત્તર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦૨૦ માં જે વિદ્યાર્થીઓ એક અથવા બે વિષયમાં ગેરહાજર રહેલ હોય અથવા એક કે બે વિષયમાં અનુત્તીર્ણ -નાપાસ હોવાને કારણે ગુણપત્રકમાં સુધારણાને અવકાશ ધરાવે છે. તેવા પરીક્ષાર્થીઓની શાળાવાર યાદી તૈયાર કરી શાળાઓને માર્ચ -૨૦૨૦ ની પરીક્ષાના પરિણામ સાથે મોકલવામાં આવેલ છે. જે વિદ્યાર્થીઓ એક અથવા બે વિષયની પરીક્ષામાં નાપાસ છે અને પૂરક પરીક્ષા આપવા ઇચ્છુક હોય તેવા પરીક્ષાર્થીઓ વર્ષ 2020 ની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે. આ પૂરક પરીક્ષા માટેનું આવેદન શાળાઓએ બોર્ડની વેબસાઇટ www gseb.org અથવા hscsciexamreg.gseb.org પરથી ઓનલાઈન કરવાની કામગીરી ચાલુ છે. આવેદન કરવાની અને ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફક્ત ઓનલાઇન માધ્યમથી જ કરવાની રહેશે. રૂબરૂ કે ટપાલ દ્વારા આવેદન સ્વીકારવાની પદ્ધતિ હવે પછીથી અમલમાં રહેશે નહીં. પરીક્ષા માટેનું આવેદન કરવાની અંતિમ તારીખ ૨૦-૬-૨૦ સાંજે ૧૭ કલાક (5 વાગ્યા) સુધી હતી. જે લંબાવીને તારીખ ૩૦-૬-૨૦ સાંજે ૧૭ કલાક સુધી કરવાની કરવામાં આવે છે. કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારોને સરકારે પરીક્ષા ફી ભરવા માટે મુક્તિ આપેલ છે. પરંતુ પૂરક પરીક્ષા ૨૦૨૦ માટે ઓનલાઈન આવેદન કરવું ફરજિયાત છે. અગાઉ તારીખ ૨૨-૫-૨૦ ના રોજ પ્રસિદ્ધ કરેલ પરિપત્ર માટે ટપાલ દ્વારા પરીક્ષામાં ઉપસ્થિત થનાર વિદ્યાર્થીઓની યાદી અને ફી ભર્યાનું ચલણ મોકલી આપવાની સુચના આથી રદ કરવામાં આવેલ છે. covid-19 ની પરિસ્થિતિમાં જે વિદ્યાર્થીઓ શાળા પર જઇ આવેદન માટેની સંમતિ તથા ફી ન આપી શકે તેમ હોય તેવા કિસ્સામાં વિદ્યાર્થી ઓનલાઈન આવેદન કરીને નિયત ફી ભરી શકશે. ઓનલાઈન આવેદન કરવા માટેની તથા ફી ભરવાની સૂચનાઓ વેબસાઈટ પર મુકવામાં આવેલ છે. કોઈપણ પ્રકારની લેઇટ ફી ઉપરોક્ત સમયગાળા માટે અમલી રહેશે નહીં.તેમ બી.એમ.સોલંકી જિલ્લા શિક્ષણાધિકારી મોરબીની યાદીમાં જણાવેલ છે.