કોરોનાની વિકટ સ્થિતિને ધ્યાને લઈને રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય મોરબી : કોરોનાના કહેરને પગલે હાલ ઓફલાઇન શિક્ષણ બંધ છે. જેને ધ્યાને લઈને સરકાર દ્વારા ધો.1થી 9 અને ધો.11ના વિદ્યાર્થીઓને માંસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. સાથોસાથ ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા પણ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાઓ જે આગામી ૧૦મી મેથી ૨૫મી મે સુધી યોજાવાની હતી તે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને હાલ પૂરતી સ્થગિત રાખવા નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે આગામી તારીખ 15મી મે ના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની પુનઃસમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું છે. આ નવી તારીખો જાહેર થવાને કારણે વિદ્યાર્થીઓને પરિક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા ૧૫ દિવસનો સમય આપવામાં આવશે તેમ પણ નક્કી કરવામાં આવ્યું છે.રાજ્ય સરકારે એવો પણ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને પરિણામે રાજ્યમાં ધોરણ-1 થી 9 અને ધોરણ 11માં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે.