આપણી સુરક્ષા આપણે જ કરીએ ના મંત્ર સાથે ગ્રામજનોએ ઉજાગરા શરૂ કર્યા મોરબી : માળીયા તાલુકાના સરદારનગર (સરવડ) ગામે તાજેતરમાં વૃદ્ધ દંપતીને લૂંટી લેવાની ઘટના બાદ ગ્રામજનોએ ગામની સુરક્ષા જાતે જ કરવા નિર્ણય કરી વારા પ્રમાણે જાગરણ કરી રાત્રી રોન સાથે ગામની સુરક્ષા કરી રહ્યા છે.સામાન્ય રીતે શિયાળાના સમયમાં ગ્રામ્ય વિસ્તારો અને શહેરોમાં નિશાચરો નાની-મોટી ચોરી કરતા હોય છે તેવામાં તાજેતરમાં મોરબી જિલ્લાના માળીયા તાલુકાના નાના એવા સર્વ્ડ ગામે સરદાર નગરમાં એક સાથે ચારથી પાંચ મકાનને નિશાન બનાવી નિશાચરોએ વૃદ્ધ દંપતીને લૂંટી લેતા બનાવથી ચોકી ઉઠેલા ગ્રામજનોએ જિલ્લામાં પોલીસકર્મીઓની સંખ્યા ઓછી હોય પૂરતું પેટ્રોલિંગ થતું ન હોય પોતાના ગામની સુરક્ષા પોતે જ કરવાનું શરૂ કર્યું છે. હાલમાં સર્વ્ડ ગામના ગામ લોકો રાત્રિના સમયે વારા મુજબ રખેવાળ બનીને ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનું ધ્યાન રાખી રહ્યા છે. જેના કારણે ગામના અન્ય લોકો નિરાંતની ઉંઘ લઈ રહ્યા છે. ગામ લોકોના આ પગલાંથી પોલીસ અને સ્થાનિક તંત્ર પણ રાહતનો શ્વાસ લઈ રહ્યા છે.