મહેન્દ્રનગર ચોકડી પાસે ડમ્પરમાંથી માટીના થરના થર રોડ ઉપર પડતા પાછળ આવતા વાહન ચાલકો ઉપર જોખમ ઉભું થયું મોરબી : મોરબી હાઇવે સહિતના માર્ગો ઉપર ડમ્પરો ઉપર તંત્રની કોઈ લગામ જ ન હોવાથી ડમ્પરો બેફામ બન્યા છે. જેમાં મહેન્દ્રનગર ચોકડી પાસે માટીની રબડી ભરીને નિકળેલા ડમ્પરના પાછળના ઠાઠામાંથી સતત લીલી માટીના પિંડા ખરતા હોય પાછળ આવતા વાહન ચાલકો ઉપર જોખમ ઉભું થયું હતું. મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી માટીની રબડી ભરેલું ડમ્પર નીકળ્યું હતું. આ ડમ્પરનો વીડિયો સામે આવ્યો છે જેમાં ડમ્પર પાછળ આવતા એક જાગૃત નાગરિકે ડમ્પર ચાલકની મનમાની વીડિયોમાં કેદ કરી હતી. આ વીડિયોમાં નરી આંખે જોઈ શકાય છે કે, ડમ્પર જેમ જેમ રોડ ઉપર પસાર થઈ રહ્યું છે. તેમ તેમ ડમ્પરમાંથી ભરેલી લીલી માટીના થર સતત નીચે રોડ ઉપર પડી રહેલા દેખાઈ છે. આ ડમ્પરમાંથી પડતા માટીના થર નીચે પડતા હોવાથી જોખમી પુરવાર થઇ શકે એમ છે કારણ કે પાછળ બીજા ઘણા વાહનો આવતા હોય છે. આ વાહનો ઉપર માટીના થર પડે તો અકસ્માત સર્જાવાની ભીતિ રહેલી છે. પણ ડમ્પર ચાલકને તો પાછળ શુ થતું હોય એની ખબર જ ન હોય એમ બેપરવાહ બનીને બિન્ધાસ્ત રીતે ડમ્પર ચાલવ્યે જતો હતો. જાગૃત નાગરિકો કહે છે કે, ઉદ્યોગોમાંથી આવી માટી ભરીને નીકળતા ભારે વાહનો ઘણા જોખમી બની જાય છે. પાછળ આવતા લોકોને મુશ્કેલી પડે છે. આમ છતાં તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી. તેથી ડમ્પર ચાલકો બેફામ બન્યા છે.