મહિને 20 હજારને બદલે લઘુતમ 30 હજાર કમિશન ચૂકવવા સહમતી : સહાયક રાખવા પણ મંજૂરી મોરબી : રાજકોટ સહિત રાજ્યભરના 17 હજાર જેટલા સસ્તા અનાજના વેપારીઓ દ્વારા અલગ - અલગ 20 માંગણીઓને લઈ હડતાળ ઉપર ઉતરી ગયા બાદ આજે ચોથા દિવસે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ સાથે વાટાઘાટ બેઠક બાદ મિનિમમ કમિશન 20 હજારથી વધારી 30 હજાર કરવા, વિતરણ વ્યવસ્થામાં સહાયક આપવા, દોઢને બદલે કમિશન રૂપિયા ત્રણ કરવું, 97 ટકા વિતરણના નિયમમાં ફેરફાર તેમજ તકેદારી સમિતિના સભ્યોના ફિંગરપ્રિન્ટ-ઓટીપીના નિયમમાં ફેરફારની માંગણી સરકારે સ્વીકારી લેતા વાજબી ભાવના વેપારીઓએ હડતાળ સમેટી લીધી હોવાનું બન્ને સંગઠનના આગેવાનોએ જાહેર કર્યું હતું.ગુજરાત ફેરપ્રાઈઝ શોપ એન્ડ કેરોસીન એસોશિએશન અને ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન દ્વારા રેશનકાર્ડ ધારકોને અનાજ વિતરણમાં ડબલ ફિંગરપ્રિન્ટ પ્રથા બંધ કરવા, કમિશનમાં વધારો કરવા સહિતની અલગ -અલગ 20 માંગણીઓને લઈ તા.1લી નવેમ્બથી હડતાળ પર ઉતરી ગયા હતા. જેમાં બે વખત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અગ્રસચિવ સાથે બેઠક પડી ભાંગતા મંગળવારે સાંજ સુધી હડતાળ સજ્જડ રહેતા ફરી તા.4ને મંગળવારે પુરવઠા અગ્રસચિવે બન્ને સંગઠનના હોદેદારો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મિનિમમ કમિશન 20 હજારથી વધારી 30 હજાર કરવા, વિતરણ વ્યવસ્થામાં સહાયક આપવા, દોઢને બદલે કમિશન રૂપિયા ત્રણ કરવું, 97 ટકા વિતરણના નિયમમાં ફેરફાર તેમજ તકેદારી સમિતિના સભ્યોના ફિંગરપ્રિન્ટ-ઓટીપીના નિયમમાં ફેરફારની મુખ્ય માંગણી સરકારે સ્વીકારી લેતા સમાધાન થયું હતું.સમાધાન મામલે ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના મહામંત્રી હિતુભા જાડેજાએ જણાવ્યું હતું કે, ચાર દિવસની હડતાળ દરમિયાન પુરવઠા અગ્ર સચિવ મોના ખંધાર દ્વારા પરવાનેદારોના પ્રશ્નો ઉકેલવાને બદલે અકડ વલણ અપનાવતા ચાર દિવસ દરમિયાન રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ ગરીબ રેશનકાર્ડ ધારકો યોજનાના લાભથી વંચિત રહ્યા હતા. સજ્જડ હડતાલ બાદ મંગળવારે ફરી ગુજરાત ફેરપ્રાઈઝ શોપ એન્ડ કેરોસીન એસોશિએશન અને ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન પ્રહલાદભાઈ મોદી, ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસો.ના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ સાથે બેઠક યોજવામાં આવતા સરકારે મુખ્ય પાંચ માંગ સ્વીકારી આગામી 15 દિવસમાં લઘુતમ કમિશન 20 હજારથી વધારી 30 હજાર કરવા દરખાસ્ત કરવાની ખાતરી આપી અન્ય પ્રશ્નો પણ ઉકેલવા ખાતરી આપી હોય આંદોલન સમાપ્ત કરી આજથી વિતરણ શરૂ કરવામાં આવશે તેમ જાહેર કર્યું હતું.