મોરબી: ખરેડા ગામમાં નિર્માણ પામનારી અત્યાધુનિક શાળાનો આજ રોજ વર્ચ્યુઅલ શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. 'લાઈફ' સંસ્થા દ્વારા નિર્માણ પામનારી આ 106મી શાળા બનશે. મહત્વનું છે કે, વિશ્વના ભિન્ન ભિન્ન દેશોમાં રહેતા ગુજરાતીઓ વતન પ્રેમ અને દેશપ્રેમની જ્યોત દાનની અવિરત સરવાણી વહાવીને વ્યક્ત કરતા હોય છે. એમાંય શૈક્ષણિક સંકુલ માટેનું દાન એટલે ભવિષ્યના ભારતને ઘડવાની આધારશીલા રાખવી. આવું જ ઉદાત્ત કાર્ય 'લાઈફ' સંસ્થા અવિરત કરતી રહી છે. જે કાર્યમાં આજે તારીખ 23/7/2022 ખરેડા ગામમાં લાઈફ સંસ્થાના દાતાઓના આર્થિક સહયોગથી ખરેડા તાલુકા શાળાના શિલાન્યાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરતભાઈ વિડજા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દિનેશભાઇ ગરચર, બીઆરસી કોઓર્ડીનેટર ચિરાગભાઈ આદ્રોજા, બીટ કેની ભોજાણી તેમજ સરપંચ શૈલેષભાઈ ગોસ્વામી, ઉપસરપંચ વાસુદેવભાઈ ચાડમિયા તેમજ ગ્રામજનોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે ડી.પી.ઈ.ઓ ભરતભાઈ વિડજાએ લાઈફ સંસ્થાનો આભાર પ્રકટ કરતા એ વાતની પણ નોંધ લીધી કે મોરબી જિલ્લામાં સંસ્થા દ્વારા આ 27મી શાળાનું નિર્માણકાર્ય શરૂ થયું છે. જે બદલ શિક્ષણ વિભાગના વડા તરીકે તેમણે સંસ્થાના કાર્યને બિરદાવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ પ્રોજેક્ટ લાઇફના શશીકાંતભાઈ તથા પ્રતિનિધિઓના સહયોગથી ઉજવવામાં આવ્યો. આ પ્રોજેક્ટ અંતર્ગત શાળાના 12 વર્ગખંડ, ઓફિસ અને કન્યા તથા કુમાર માટે અલગ સેનિટેશનની સુવિધા હશે. આ ઉપરાંત શાળાના વર્ગખંડોને ડિજિટલ ટેકનોલોજીથી જોડવામાં આવશે. સ્માર્ટ બોર્ડ અને ટેબ્લેટ પણ પુરા પાડવામાં આવશે. અત્રે એ પણ નોંધનીય છે કે પ્રોજેક્ટ લાઈફના 2001ના સંકલ્પ અનુસાર 108 પૈકીની આ ખરેડા ગામમાં 106મી શાળાનો આજરોજ વર્ચ્યુઅલ શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.