મોરબી : તાજેતરમાં ડિસેમ્બર મહિના દરમ્યાન યોજાયેલા નેશનલ લેવલના ઓનલાઈન કલા ઉત્સવમાં રાજ્ય કક્ષાએ મોરબીના નિર્મલ વિદ્યાલયની 9માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ વિઝ્યુઅલ આર્ટ કેટેગરીમાં મેદાન માર્યું છે. પ્રવર્તમાન કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાને લઇ દર વર્ષે આયોજિત થતો રાજ્યકક્ષાનો કલા ઉત્સવ આ વર્ષે ઓનલાઈન યોજાયો હતો. ડિસેમ્બર માસમાં આયોજિત થયેલા કલા ઉત્સવ- 2020માં મોરબીની નિર્મલ વિદ્યાલયની 9માં ધોરણમાં અભ્યાસ કરતી છાત્રા પ્રાજલ વિક્રમભાઈ ગોહિલે વિઝ્યુઅલ આર્ટ 2-D પેઇન્ટિંગમાં ઇનામ મેળવ્યું છે. તારીખ 15 અને 16 જાન્યુઆરીએ આયોજિત થનાર રાષ્ટ્રીય કક્ષાની પ્રતિસ્પર્ધામાં હવે પ્રાજલ ભાગ લેશે. અલગ અલગ 9 પ્રકારની કેટેગરીમાં 2D પેઇન્ટિંગમાં રાજ્ય કક્ષાએ સિલેક્ટ થતા મોરબીની વિદ્યાર્થીની હવે રાષ્ટ્રીય કક્ષાએ મોરબીનું નામ રોશન કરવા જનાર હોવાથી પ્રાજલ પર ઠેર ઠેરથી શુભકામનાઓ વરસી રહી છે.