મોરબીની ગૌતમ એન્ટરપ્રાઈઝ નામની પેઢી ઝપટે ચડી મોરબી : અમદાવાદ સ્ટેટ જીએસટી વિભાગની અન્વેષણ વિંગ દ્વારા બોગસ બિલિંગ કરતા માસ્ટર માઇન્ડને શોધી તેઓની સામે ધરપકડ સહિતની કાર્યવાહી કડક હાથે કરવામાં આવી રહેલ છે જે અન્વયે આજે ભંગાર લોખંડના વેપારીઓને ત્યાં 30 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં મોરબીની પેઢી પણ ઝપટે ચડી છે. સામાન્ય રીતે બોગસ બિલીંગ માટે માસ્ટર માઇન્ડ દ્વારા જરૂરીયાતમંદ આર્થિક રીતે નબળા લોકોને નાણાકીય પ્રલોભન આપી તેઓના દસ્તાવેજો જેવા કે પાનકાર્ડ, આધાર કાર્ડ, ફોટો, લાઇટ બિલ વગેરે મેળવી બેંક ખાતાઓ ખોલાવી તેઓના નામે પેઢી ઉભી કરી બોગસ બિલિંગ કરવાના આશયથી જીએસટી નંબરો મેળવવામાં આવે છે. તાજેતરમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ખોટી વેરાશાખ મેળવવા તેમજ ખોટી વેરાશાખ પાસઓન કરવામાં કરચોરીની શક્યતાના પગલે લોખંડ સ્ક્રેપના વેપાર સાથે સંકળાયેલ મોરબી સહિતના 30 વેપારીઓને ત્યાં તપાસની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જેમાં ભાવનગરના ૧૦, રાજકોટના ૧૨, સુરતના ૭ અને અમદાવાદ અને મોરબીનો સમાવેશ થાય છે. હાલમાં તમામ સ્થળોએ મળી આવેલ હિસાબી સાહિત્ય, ડીઝીટલ ડેટા અને ખરીદ વેચાણના વ્યવહારોની ચકાસણીની કાર્યવાહીમાં, આ કેસોમાં બોગસ બિલીંગ થયેલ છે કે કેમ તે અંગેની ઉડાણપૂર્વકની ચકાસણી હાથ ધરવામાં આવેલ. આ ચકાસણી દરમિયાન મોરબીની ગૌતમ એન્ટરપ્રાઈઝ સહિત કુલ ૧૭ જેટલી પેઢીઓ બોગસ બિલિંગની પ્રવૃત્તિમાં સંડોવાયેલ હોવાનું જણાયેલ છે. ૬ કેસોમાં વધુ ચકાસણી માટે હિસાબી સાહિત્ય જપ્ત કરવામાં આવેલ છે. આ કેસોમાં અન્ય વ્યક્તિઓની સંડોવણી અંગેની તપાસની કાર્યવાહી પણ ચાલુમાં છે. અત્યાર સુધીની તપાસમાં કુલ રૂ. ૨૮૫ કરોડના બોગસ બિલિંગના વ્યવહારો મળી આવેલ છે જેમાં રૂ.૫૩ કરોડની વેરાશાખ પાસ ઓન કરવામાં આવેલ છે. વેરાશાખ ભોગવનારા બેનીફિશીયરીઓને શોધી વેરા વસુલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તપાસ દરમ્યાન બોગસ બિલિંગની પ્રવૃત્તિમાં સંડોવાયેલ 17 વેપારીઓ ઓળખી કઢાયા છે જેમાં મોરબીની ગૌતમ એન્ટરપ્રાઈઝ નામની પેઢીનો સમાવેશ થાય છે.