ગાઈડલાઇન્સના પાલન સાથે ટ્યુશન કલાસ શરૂ કરવાની પણ અપાઈ મંજૂરી: મોરબી: કોરોનાની વિકટ પરિસ્થિતિને લઈને સંક્રમણ ફેલાવવાના અંદેશા વચ્ચે ગુજરાત સહિત ભારતમાં શૈક્ષણિક કાર્ય બંધ કરાવવામાં આવ્યું હતું. ત્યારે હવે ગુજરાતમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ઉત્તરોઉતર ઘટાડો થતા અને રિકવરી રેટ વધતા મહિનાઓથી ખોરંભે પડેલ શિક્ષણ કાર્ય ક્રમશઃ શરૂ થયું છે. આજે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ સંદર્ભે વધુ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. આજે સવારે શરૂ થયેલી કેબિનેટની બેઠક બાદ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ 1 ફેબ્રુઆરી 2021થી રાજ્યમાં ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવાની જાહેરાત કરી છે. સાથોસાથ બંધ પડેલા ટ્યુશન કલાસ શરૂ કરવા દેવાની પણ શિક્ષણમંત્રીએ જાહેરાત કરી છે. રાજ્યમાં ધોરણ 10 અને 12ના વર્ગો અગાઉ શરૂ થઈ ચૂક્યા છે અને તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં વિના વિઘ્નએ ચાલી રહ્યા છે ત્યારે આગામી 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે પણ શાળાના દરવાજા ખોલવાની જાહેરાતના પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રાહતની લાગણી ફેલાઇ છે. અગાઉ ધોરણ 10 અને 12ના વર્ગોમાં વિદ્યાર્થીઓની નોંધપાત્ર હાજરી અને સંતોષકારક વ્યવસ્થાને ધ્યાને લઇ પહેલી ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11ના કલાસ શરૂ કરવાની મંજૂરી અપાઈ છે. સાથોસાથ ટ્યુશન કલાસ સંચાલકોની માંગણી અને તેઓ તરફથી કોવિડ-19ની ગાઈડલાઇન્સના પાલનની વારંવાર અપાયેલી ખાત્રી બાદ રાજ્ય સરકારે 1 ફેબ્રુઆરીથી ટ્યુશન કલાસ ખોલવાની મંજૂરી પણ આપી દીધી છે. શૈક્ષણિક કાર્યની ગાડી પાટે ચડવાના ઉજળા સંજોગો વચ્ચે હોસ્ટેલ શરૂ કરવાની પરવાનગી પણ અપાતા બહારગામથી શહેરોમાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ પણ હવે શૈક્ષણિક કાર્યમાં જોડાઈ શકશે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ જાહેરાત કરતા સમયે ઉમેર્યું હતું કે, આ અગાઉ શાળાઓ માટે જાહેર કરાયેલી માર્ગદર્શિકા ધોરણ 9 અને 11ના શરૂ થનાર વર્ગો માટે પણ ફરજીયાત નિભાવવી પડશે. શિક્ષણમંત્રીની આ જાહેરાત સાથે જ હવે પહેલી ફેબ્રુઆરીથી ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓથી શાળાઓ ધમધમતી થશે.