કિસાનોએ લીધેલા ટૂંકી મુદતનાં ધિરાણ પરત કરવાનો સમયગાળો ૩૧ માર્ચને બદલે વધુ બે-ત્રણ માસ લંબાવવા રાજય સરકાર કેન્દ્રમાં રજૂઆત કરશે મોરબી : લોકડાઉનની સ્થિતિ વચ્ચે ગુજરાત સરકારે ખાદ્ય સામગ્રીની અછત ન સર્જાય અને લોકોને જીવન જરુરીયાતની ચીજ-વસ્તુઓ મળી રહે એ માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ગુજરાત સરકારે ખાદ્ય સામગ્રી જેવી કે લોટ-દાળની સપ્લાય ચેઈન વિધ્ન વિના જળવાઈ રહે તે માટે ફલોર મિલ્સ - પલ્સ મિલ્સ સંચાલકો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી આ બાબતે જરૂરી સુચના આપી હતી. આ ઉપરાંત શ્રેણીબદ્ધ બેઠકો દ્વારા લોકડાઉન સ્થિતિમાં જિલ્લા કલેકટરો - જિલ્લા તંત્રને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. સરકારે લીધેલા નિર્ણય મુજબ કિસાનોએ લીધેલા ટૂંકી મુદતનાં ધિરાણ પરત કરવાનો સમયગાળો ૩૧ માર્ચને બદલે વધુ બે-ત્રણ માસ લંબાવવા રાજય સરકારે કેન્દ્રમાં રજૂઆત કરી હતી. આ વધારાના સમયગાળા માટે રાજ્ય સરકાર ખેડૂતોને વ્યાજમાં રાહત આપશે. કોરોના વાયરસની વર્તમાન સ્થિતિમાં જાહેર થયેલા ર૧ દિવસનાં લોકડાઉન સમય દરમિયાન નાગરિકોને ખાદ્યઅન્ન, લોટ-દાળ જેવી ચીજવસ્તુ સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ૪ મહાનગરોના ફલોર મિલ્સ, પલ્સ મિલ્સ સંચાલકો સાથે વિડીયો કોન્ફરન્સ યોજી જરૂરી સૂચના આપી છે. ઉપરાંત ગુજરાત સરકારે આ સંદર્ભમાં જિલ્લા કલેકટર, પોલીસતંત્ર અને પુરવઠા અધિકારીઓને સુચારૂ સંકલન રાખી આવા મિલર્સની સપ્લાય ચેઈન બંધ ન થાય તે જોવા તાકિદ કરી છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, હાલની સ્થિતિમાં ઘઉ, ચોખા, બાજરી, દાળ જેવા ખાદ્યાન્નને બદલે તેના તૈયાર લોટ-આટાની માંગ વધુ રહેવાની છે. આ હેતુસર ફલોર અને પલ્સ મિલ્સમાં આવતા અનાજને દળીને આટો-લોટ તૈયાર થાય તે માટે અન્ય રાજ્યોમાંથી આવતા આવા અન્ન પુરવઠાનું વહન પણ નિર્વિધ્ને ચાલુ રહેવું જોઈએ. તેમણે ફલોર મિલ્સ - પલ્સ મિલ્સ સંચાલકોએ તેમના માલને મિલ સુધી અને તે પછી આટાને લાસ્ટ માઈલ કનેકટીવીટી સુધી પહોચાડવામાં આંતર રાજ્ય-આંતર જિલ્લા હેરફેરમાં સરકારને મદદરૂપ થવા કરેલી રજૂઆતો અંગે પણ જિલ્લા પોલીસ અને વહિવટીતંત્રોને યોગ્ય પ્રબંધ માટેની સૂચનાઓ આપી છે. મુખ્યમંત્રીએ તમામ જિલ્લા કલેકટર આવા આટા-લોટની હોલસેલ અને રિટેઈલ ર્કેટ ચેઈન તૂટે નહિ તે માટે જરૂરી વાહન-વ્યક્તિઓને પાસ ઈસ્યુ કરવા પણ જણાવ્યું છે. આવા જે ફલોર મિલ્સ - પલ્સ મિલ્સ સંચાલકો અન્ય રાજ્યોમાં સપ્લાય કરે છે તે પણ જળવાઈ રહે અને અન્ય રાજ્યોના નાગરિકોને પણ કોઈ વિઘ્ન ન રહે તે જોવા મિલ સંચાલકોને અનુરોધ કર્યો છે. લોકડાઉનની સ્થિતિ વચ્ચે ગુજરાત સરકાર ફલોર મિલ્સ - પલ્સ મિલ્સ સંચાલકો માટે પ્રવર્તમાન સમયમાં જરૂરી ગાઈડલાઈન્સ અને પ્રોટોકોલ તત્કાલ તૈયાર કરીને જિલ્લા તંત્રને પહોચાડશે અને સંપૂર્ણ વ્યવસ્થા કોઈ જ વિધ્ન વિના સુપેરે ચાલે તેવી વ્યવસ્થા ગોઠવશે. આટલું જ નહીં રાજ્યમાં સૌ નાગરિકોને દૂધ, શાકભાજી, ફળફળાદિ, અનાજ, કરિયાણું સુચારૂ રીતે હાલ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થઈ રહ્યું છે એવા સમયે આ વ્યવસ્થા જળવાઈ રહે અને દૂધ વિતરણમાં કે શાકભાજી ફળફળાદિના પુરવઠામાં વિપરીત અસર ન પડે તે માટે રાજ્યના બનાસ, સુમુલ, સાબર, પંચમહાલ અમૂલ ડેરી સહિત ૧૮ જેટલા મોટા દૂધ સંઘો પર દૂધની આવક અને વિતરણ વ્યવસ્થા પર દેખરેખ અને સંકલન માટે રૂપાણી સરકાર દ્વારા અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવશે. રાજ્યમાં દૈનિક ૩ કરોડ લીટર દૂધની આવક છે અને અંદાજે પપ લાખ લીટર દૂધનાં પાઉચ વિતરણ થાય છે. રાજ્યમાં આવેલા દૂધ પાર્લર પરથી આ વિતરણ વ્યવસ્થા નિયમિત ચાલતી રહેશે અને આવનારા દિવસોમાં દૂધનો પુરવઠો પર્યાપ્ત માત્રામાં મળતો રહેશે. ગુજરાતમાં દૈનિક પ૩ હજાર કવીન્ટલથી વધુ શાકભાજીની આવક રહે છે. તેમાં મુખ્યત્વે લીલા શાકભાજી, બટાકા, ડુંગળી અને ટમેટાનો જથ્થો હોય છે. આ શાકભાજી તેમજ ચૈત્રી નવરાત્રિના શરૂ થયેલા પર્વમાં ઉપવાસ વ્રત કરનારાઓ માટે ફળફળાદિ સરળતાએ મળે તે માટે રાજ્યની ૭પ જેટલી APMCમાં સહકાર વિભાગના સચિવની આગેવાનીમાં અધિકારીઓ દેખરેખ રાખશે. બટેટા અને ડુંગળી જેવા શાકભાજી માટે કોલ્ડ સ્ટોરેજ વ્યવસ્થાનું પણ યોગ્ય સંકલન કરાશે. ગુજરાતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર જેવા પડોશી રાજ્યોમાંથી પણ શાકભાજીનો જથ્થો આવે છે. આ જથ્થો પણ નિયમિત આવતો રહે, તે લઈને આવનારા વાહનોને કોઈ સમસ્યા ન નડે તે માટે મુખ્યમંત્રીએ રાજ્યના મુખ્ય સચિવને જે તે સંબંધિત રાજ્યના મુખ્ય સચિવ સાથે સંપર્કમાં રહીને વ્યવસ્થા જળવાય તેની સૂચનાઓ આપી છે. આવા શાકભાજી, ફળફળાદિ રાજ્યમાં નગરો - શહેરો - ગામોમાં લઈ જતા વાહનો-ફેરિયાઓને પણ કોઈ મુશ્કેલી ન પડે તે માટે રાજ્યના પોલીસ મહાનિદેશક સાથે સંકલન સાધવામાં આવશે. મુખ્યમંત્રીએ અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય ખેડૂતોના વ્યાપક હિતમાં કર્યો છે. રાજ્યના ધરતીપુત્રોએ પોતાના પાક માટે લીધેલું ટુંકી મુદતનું ધિરાણ તા. ૩૧ માર્ચ-ર૦ર૦ સુધી પરત કરવાનું હોય છે. પરંતુ પ્રવર્તમાન કોરોના વાયરસની ગંભીર સ્થિતિમાં આ પરત ચુકવણી સમયમર્યાદા બેથી ત્રણ માસ લંબાવવા ગુજરાત સરકારે કેન્દ્રને રજૂઆત અને વિનંતી કરી છે. આ વધારાના સમયગાળા માટેની વ્યાજ રાહત પણ રાજ્ય સરકાર ખેડૂતોને આપશે.