ગાંધીનગર ખાતે યોજાયેલા સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે એવોર્ડ એનાયત કરાયોટંકારા (મોરબી અપડેટ): 5 સપ્ટેમ્બર 2026 ના રોજ શિક્ષક દિન નિમિત્તે ગાંધીનગર સ્થિત PDPU ઓડિટોરિયમ ખાતે રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં ટંકારા તાલુકાની મેઘપર ઝાલા પ્રાથમિક શાળામાં છેલ્લા 16 વર્ષથી ભાષા શિક્ષક તરીકે નિષ્ઠાપૂર્વક સેવા આપતા હેતલબેન કાંતિલાલ સોલંકી (વરૂ) ને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 'રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક' એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમની શરૂઆત પોલીસ બેન્ડ દ્વારા વંદે માતરમ્ અને રાષ્ટ્રગીતની ગૌરવપૂર્ણ ધૂન સાથે થઈ હતી. આ સમારોહમાં રાજ્યના કુલ 40 પ્રતિભાશાળી શિક્ષકોનું બહુમાન કરાયું હતું. હેતલબેન સોલંકીને રાજ્યપાલના હસ્તે શાલ, પ્રમાણપત્ર અને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો, જ્યારે મુખ્યમંત્રી દ્વારા સ્મૃતિચિહ્ન એનાયત કરી તેમની ઉત્કૃષ્ટ શૈક્ષણિક સેવાઓને બિરદાવવામાં આવી હતી. આ પ્રસંગે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા અને રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોતાના સંબોધનમાં રાજ્યપાલે શિક્ષકોને આધુનિક ટેકનોલોજીના શિક્ષણની સાથોસાથ વિદ્યાર્થીઓમાં ભારતીય મૂલ્યો અને સંસ્કારોનું સિંચન કરવા પર ભાર મૂક્યો હતો.ઉલ્લેખનીય છે કે, શિક્ષક દિનની પૂર્વ સંધ્યાએ 4 સપ્ટેમ્બરના રોજ શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાના નિવાસસ્થાને એક વિશેષ સ્નેહમિલન અને વિચારગોષ્ઠીનું આયોજન પણ થયું હતું. જેમાં રિવાબા જાડેજા, શિક્ષણ વિભાગના નાયબ નિયામક પંકજ ત્રિવેદી તથા ડૉ. નિવેદિતા વાજાની ઉપસ્થિતિમાં બંને મંત્રીઓ દ્વારા તમામ 40 પુરસ્કૃત શિક્ષકો અને તેમના પરિજનો સાથે સંવાદ સાધવામાં આવ્યો હતો. હેતલબેન સોલંકીની આ ગૌરવવંતી સિદ્ધિ બદલ સમગ્ર મોરબી જિલ્લા શિક્ષણ જગત, શાળા પરિવાર અને ગ્રામજનો તરફથી તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.#MorbiUpdate #Tankara #MeghparZala #BestTeacherAward #TeachersDay #EducationNews #MorbiPride #Morbi