જાણો ક્યાં સમયે કઈ ચેનલ પર કયું ધોરણ ભણાવાશે : કોરોનાના પ્રસરણને રોકવા 29 માર્ચ સુધી બંધ રહેલી શાળાઓનો અભ્યાસક્રમ ટીવી ચેનલ પર લાઈવ મોરબી : કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે સરકારે 29 માર્ચ સુધી તમામ શાળા-કોલેજો અને ટ્યુશન ક્લાસને બંધ કરવાનો આદેશ કરતા વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ બગડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસામાએ જાહેરાત કરી છે કે ગુજરાતની પ્રાદેશિક ભાષાની 13 ન્યૂઝ ચેનલો પર ધોરણ 7, 8, 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે લાઈવ અભ્યાસક્રમ ભણાવવામાં આવશે. જેનું પ્રસારણ આજથી શરૂ થઈ ગયું છે. આજે સવારે 11થી 12 ઝી 24 કલાક પર ધોરણ 8 માટે વિજ્ઞાન વિષયનું લેક્ચર લેવામાં આવશે. ગુજરાતની 13 ન્યૂઝ ચેનલોએ ક્યાં સમયે કેટલા ધોરણનું લેક્ચર આપવું તેનું ટાઈમ ટેબલ જાહેર કર્યું છે. આપના સંતાનોને આ લાઈવ લેક્ચરમાં અભ્યાસક્રમ પૂરો કરાવવા ચેનલનું નામ, ધોરણ અને સમય નોંધી લેશો. ધોરણ 7 માટે, 18 ન્યૂઝ ગુજરાતી બપોરે 12થી 01, મંતવ્ય ન્યૂઝ પર બપોરે 03થી 04 અને જીટીપીએલ ચેનલ પર સવારે 11:30થી 12:30 સુધી પ્રસારિત થશે. ધોરણ 8 માટે સવારે 11થી 12 ઝી 24 કલાક પર, બપોરે 02થી 03 વિટીવી ન્યૂઝ પર તથા સાંજે 05:થી 06 સુધી વીઆર ચેનલ પર પ્રસારિત થશે. ધોરણ 9 માટે બપોરે 02થી 03 એબીપી અસ્મિતા પર, સાંજે 04થી 05 જીએસ ટીવી પર તથા સાંજે 05થી 06 સુધી નિર્માણ ન્યૂઝ પર લેક્ચર લેવાશે. જ્યારે ધોરણ 11 માટે બપોરે 12:30થી 1:00, બપોરે 03:30થી 4:00 ટીવી 9 ગુજરાતી પર, બપોરે 03:00થી 04:00 સંદેશ ન્યૂઝ પર, સાંજે 04:00થી 05:00 ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી પર અને બપોરે 03થી 04 દરમ્યાન ડિડી ગિરનાર પર લેક્ચર લેવામાં આવશે. તારીખ 29 માર્ચ સુધી આ શિક્ષણિક કાર્યક્રમો પ્રસારિત થશે. આથી હાલ સ્કૂલોમાં આવી પડેલા આકસ્મિક વેકેશનમાં વિદ્યાર્થીઓ ઘેર બેઠા તેઓનો અભ્યાસક્રમ આગળ ધપાવી શકે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ લાઈવ પ્રસારણનો લાભ લેવા અને બાળકોને તેનો અભ્યાસક્રમ પૂરો કરવા માટે આહવાન કર્યું છે. વાલીઓ અને શાળા સંચાલકોએ સરકારના આ પ્રયાસને બિરદાવ્યો છે અને કોરોના વાઇરસ સામેના જંગમાં સરકારના દરેક પગલાંને સમર્થન સહિત સહકાર આપવાની ખાત્રી આપી છે અને મોરબી શિક્ષણાધિકારીએ જિલ્લાના વિદ્યાર્થીઓને ઘરે બેઠા શાળાનો અભ્યાસક્રમ ચાલુ રાખવાની અપીલ કરી છે.